
ઉનાળામાં કેટલાક ડેમોના તળિયા દેખાયા પણ સરદાર સરોવર નર્મદા ડેમ 123.30 મીટર ભરાયેલો છે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બન્યો હતો. તેના લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાયા છે. સૌરાષ્ટ્રમાં તો કેટલાક ડેમોને સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાતના જળાશયોમાં જળ સપાટીમાં ઘટાડો થયો હતો. જો કે નર્મદા યોજનાને લીધે પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી થઈ નહતી. હવે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 14 જેટલાં તાલુકામાં શનિવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અને એકાદ સપ્તાહમાં મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થઈ જશે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 123.30 મીટર ભરાયેલો છે.
ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ઉનાળામાં ભારે ગરમીને લીધે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા જળ સપાટીમાં મોટો ઘટાડો થયો નથી. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના દૈનિક અહેવાલ પ્રમાણે, હાલમાં સરદાર સરોવર ડેમમાં જળસપાટી 123.30 મીટરથી વધારે છે અને પાણીનું લાઇવ સ્ટોરેજ 1816 એમસીએમ એટલે કે 1.81 લાખ કરોડ લિટર છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો જથ્થો જે હાલ ઉપલબ્ધ છે. તેનાથી રાજ્યની વસતીની પીવાના પાણીની જરૂરિયાત છ મહિના સુધી પુરી પાડી શકાય તેમ છે. ઉનાળા દરમિયાન સરદાર સરોવરમાં પાણીની આવક ચાલું રહી છે. ગત એપ્રિલની 25મી તારીખથી જૂનના 7 સુધી એટલે કે 42 દિવસમાં નર્મદા ડેમના લાઇવ સ્ટોરેજમાં (લાઇવ સ્ટોરેજ પાણી જે ઉપયોગમાં લઇ શકાય છે) પાણીમાં અંદાજે 68 હજાર કરોડ લિટર વધારો થયો છે. બીજી તરફ, સરદાર સરોવર સિવાયના રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ 4932 મિલિયન ક્યુબિક મીટર (4.93 લાખ કરોડ લિટર) છે જેની સામે સરદાર સરોવરમાં કુલ સંગ્રહ 5530 મિલિયન ક્યુબિક મીટર (5.53 લાખ કરોડ લિટર) છે. એટલે કે રાજ્યના તમામ ડેમોમાં મળી જેટલું પાણી છે એનાથી પણ વધારે પાણીનો જથ્થો એકલા સરદાર સરોવરમાં છે. દરમિયાન દેશભરના ટોચનાં 150 મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો (લાઇવ સ્ટૉરેજ) 39.765 બિલિયન ક્યુબીક મીટર (બીસીએમ) થઈ ગયું છે. જે કુલ ક્ષમતાના માત્ર 22 ટકા છે. (file photo)