
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડકપ ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. જેને લઈને સ્ટેડિયમ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ રોમાંચક મેચ નિહાળવા માટે અનેક સ્ટાર્સ, હસ્તીઓ અને નેતાઓ સ્ટેડિયમમાં હાજર રહેવાના છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રવિવારે સવારથી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે, તો કેટલાક રૂટ બંધ કરાયા છે.
અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લીધે જે રસ્તાઓને ડાયવર્ટ કરાયા છે. જેમાં જનપથ ટીથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ ડાયવર્ઝન વાળો રહેશે. જેમાં તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. જો કે, ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો,આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી
પોલીસ કમિશ્નર જી.એસ.મલિકએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) ની સત્તા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ 19 તારીખે સવારના 10થી લઈને રાત્રિના 12 કલાક સુધી લાગુ રહેશે. સ્ટેડિયમ વિસ્તારમાં તેમજ રસ્તાઓ પર ટ્રાફિક સહિત પોલીસનાં હજારોથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. (File photo)