
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કેમ્પસમાં 8.50 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાયું
પાટણઃ રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ રમત-ગમતમાં વધુ રસ કેળવે અને રાશ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લેતા થાય તે માટે યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસની એક્ટિવિટી માટે યુજીસી અને રાજ્ય સરકાર દ્વારા પણ કોરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રૂપિયા સાડાઆઠ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ સંકુલનો યુનિવર્સિટીની 500થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. રમતગમતક્ષેત્રે આગળ વધવા માગતા પાટણ યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ માટે આ સંકુલ મદદરૂપ સાબિત થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી કેમ્પસના ગ્રાઉન્ડમાં રૂસાની ગ્રાન્ટમાંથી રાજ્ય અને રાષ્ટીય કક્ષાની તમામ રમતો રમી શકાય તે માટે સ્પોર્ટ સંકુલ 8.50 કરોડના ખર્ચે 2018માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનું કામ 2022માં પૂર્ણ થયું છે. આ સ્પોર્ટ સંકુલમાં 1 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. આ સ્પોર્ટ સંકુલથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 500 કરતાં વધુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને લાભ થશે. અને વિદ્યાર્થીઓને ઇન્ટર કોલેજ સ્પર્ધા અને ઇન્ટર યુનિવર્સિટી માટે તૈયારી કરી શકાશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિના કેમ્પસમાં તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ સંકુલના પ્રથમ પોર્ટ( હોલ)માં વોલીબોલ, બાસ્કેલ બોલ, લોન્ટ ટેનિસ, ખોખો, કબડ્ડી રમી શકાશે. બીજા પોર્ટમાં બેડમિન્ટન માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યારે ત્રીજા પોર્ટમાં ટેબલ ટેનિસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઈન્ડોર ગેમ અહીં રમી શકાશે. સંકુલમાં 800 પ્રેક્ષકો બેસી રમતગમત માણી શકે એ માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે કસરત અને પ્રેક્ટિસ માટે લેટેસ્ટ જિમની અલગ સુવિધા કરાઈ છે. સ્પોર્ટ્સ સંકુલની બહારની સાઈડ વીઆઈપી અને કોમન પાર્કિંગ બનાવ્યું છે.
યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતેનું નવીન સ્પોર્ટ સંકુલ તૈયાર થઈ ગયું છે. સંકુલમાં અંદર મલ્ટીપર્પઝ હોલ બનાવાયા છે, જેમાં બાસ્કેટબોલ, વોલીબોલ, કબડ્ડી, લોન ટેનિસ જેવી રમતોનાં આયોજન થઈ શકશે. બેડમિન્ટનનો સેપરેટ હોલ છે, જેમાં ત્રણ મેદાન બની શકે એવી વ્યવસ્થા છે. બીજો ટેલબ ટેનિસ માટે સેપરેટ હોલ બનાવ્યો છે. આ સ્પોર્ટ સંકુલમાં 1 હજાર લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે. ખેલાડી અને પ્રેક્ષકોની અવરજવર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ સ્પોર્ટ સંકુલ વિદ્યાર્થીઓ અને પાટણ નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે.