
- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ પહેલા ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી
- અહીંયા હોટલમાં ભારતીય ટીમના ખેલાડીઓ જાતે જ ટોયલેટ સાફ કરી રહ્યા છે
- ભારતીય ટીમની ફરિયાદ બાદ BCCIએ આપવી પડી દખલ
બ્રિસ્બેન: હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે અને છેલ્લી મેચ માટે ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી ગઇ છે. અજીંક્ય રહાણેના સૂકાનીપદ હેઠળ ભારતીય ટીમ ચોથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે પરંતુ તે વચ્ચે બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓને બેઝીક સુવિધાઓ પણ આપવામાં આવી નથી. તેઓ ત્યાં ટોયલેટ પણ જાતે સાફ કરી રહ્યાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમ સાથે પ્રવાસ કરનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે જાતે અમારી પથારી કરીએ છીએ અને જાતે જ ટોયલેટ પણ સાફ કરીએ છીએ. જમવાનું પણ પાસેની ભારતીય હોટલમાંથી આવે છે.
સૂત્રોનુસાર, આખી હોટલ ખાલી છે તેમ છતાં અમે એક ફ્લોરથી બીજી તરફ જઇ શકતા નથી. સ્વિમિંગ પૂલ તેમજ જીમ સહિત ઘણી સુવિધાઓ છે જે નથી આપવામાં આવી રહી. હોટલના દરેક કેફે અને રેસ્ટોરન્ટ પણ બંધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા અમને કરવામાં આવેલા વાયદા તેમજ અત્યારે જે સુવિધા અમને મળી રહી છે તે બંને અલગ છે. એકદમ વિપરીત છે. કહેવામાં આવ્યું હતું કે અમને યોગ્ય ક્વોરંટાઇન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પરંતુ એવું કંઇ જ થયું નથી. અહીં તો અમે અમારા ટોયલેટ પણ જાતે જ સાફ કરીએ છીએ. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવે છે ત્યારે શું ભારત પણ આવું જ વર્તન કરે છે.
રિપોર્ટ મુજબ આ ફરિયાદ મળ્યા બાદ સૌરવ ગાંગુલી, જય શાહ તેમજ સીઇ હેમાંગ અમીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરી અને તેમણે આશ્વાસન અપાવ્યું કે ભારતીય ટીમને કોઇપણ જાતની અગવડ નહીં પડે.
એક સીનિયર સૂત્રએ જણાવ્યું હતું કે રૂમમાં હાઉસકિંપીંગની પણ સુવિધા નથી તેમજ આંતરરાષ્ટ્રીય લેવલનું જીમ પણ નથી. ચેક-ઇન પહેલા અમને સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ એવું થયું નથી.
(સંકેત)