IPLમાં પડતો મુકાયેલો સ્ટીવ સ્મિથ PSL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, શાહી સ્વાગત કરાયું
ઈસ્લામાબાદ, 23 માર્ચ 2026: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) 2026 માં રમવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. પાકિસ્તાન પ્રવાસ પર સ્મિથનું કોઈ ‘શહેનશાહ’ની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આઈપીએલ 2026 ની હરાજીમાં કોઈ પણ ભારતીય ફ્રેન્ચાઇઝીએ સ્મિથમાં રસ દાખવ્યો ન હતો અને તેઓ અનસોલ્ડ રહ્યા હતા. જોકે, હવે પીએસએલમાં તેઓ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બનીને ઉભર્યા છે.
સ્ટીવ સ્મિથને પીએસએલની નવી ફ્રેન્ચાઇઝી સિયાલકોટ સ્ટેલિયન્સએ આશરે 5 લાખ યુએસ ડોલર (લગભગ 14 કરોડ પાકિસ્તાની રૂપિયા)માં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે જ તેઓ પીએસએલ ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે સ્મિથ મુખ્યત્વે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે, તેમ છતાં પાકિસ્તાની ફ્રેન્ચાઇઝીએ તેમના પર આટલી મોટી રકમ ખર્ચી છે.
તાજેતરમાં બિગ બેશ લીગ (બીબીએલ) દરમિયાન સ્ટીવ સ્મિથ અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ વચ્ચેનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બીબીએલના એક મુકાબલામાં જ્યારે બાબર આઝમ ક્રિઝ પર હતા, ત્યારે સ્મિથે તેમની સાથે બેટિંગ કરતા એક સરળ સિંગલ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તે સમયે ક્રિકેટ જગતમાં સ્મિથના આ વલણને ‘અહંકાર’ ગણાવવામાં આવ્યો હતો. હવે તે જ સ્મિથ પાકિસ્તાનની ધરતી પર રમતા જોવા મળશે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટ ચાહકો આ ઘટનાક્રમને આઈપીએલ વિરુદ્ધ પીએસએલના નજરિયાથી જોઈ રહ્યા છે. IPL માં અનસોલ્ડ રહેવું તે સ્મિથ માટે એક મોટો ફટકો હતો, પરંતુ પાકિસ્તાનમાં મળેલો આ કરોડપતિ કોન્ટ્રાક્ટ તેમના માટે લોટરી સાબિત થયો છે. પાકિસ્તાની ફેન્સ સ્મિથના આગમનથી ઉત્સાહિત છે, જ્યારે ભારતીય ફેન્સ સ્મિથની T20 ક્ષમતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી


