
અમદાવાદઃ કચ્છ એક્સપ્રેસ ટ્રેન પર નવસારી પાસે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાતાં વાતાનુકુલિત કોચની બારીનો કાચ તૂટી પડતાં પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ બનાવની આરપીએફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, મુંબઈ તરફથી આવી રહેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવસારી પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને કારણે એસી કોચના કાચ તૂટી ગયા હતા. અચાનક થયેલા પત્થરમારાને કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. આ બનાવની આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજુબાજુ રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટીના રહીશોની પૂછતાછ કરવામાં આવી રહી છે.
આરપીએફના સૂત્રોના કહેવા મુજબ ગુરુવારની રાત્રિના દસ વાગ્યાની આસપાસ પથ્થરબાજીનો આ બનાવ બન્યો હતો જેમાં મુંબઈથી ભુજ આવી રહેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર (22955) જયારે નવસારી નજીક પહોંચી ત્યારે ચાલુ ટ્રેન પર પથ્થરો ફેંકાયા હતા, જે સેકન્ડ એસી કોચમાં લાગેલી બારીમાં લાગતાં કાચ તૂટી ગયો હતો. પ્રચંડ અવાજ સાથે કાચ તૂટતાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે મુસાફરોએ ટી.સી. અને રેલવે પોલીસ ફોર્સને જાણ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં પથ્થર મારવાની ઘટના બાદ તપાસ કરાતાં થર્ડ એસી બી-૧ કોચમાં કાચમાં લાગેલા રબ્બરમાં પણ નુકસાની પહોંચાડાઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ચાલુ ટ્રેનમાં પથ્થર ફેંકવાની ઘટનામાં બારી પાસે બેઠેલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કચ્છ તરફ આવી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આરપીએફ ઘટનાસ્થળે પહોંચીને મોબાઈલ લોકેશનના આધારે કાંકરીચાળો કરનારા શખ્સની શોધખોળ આદરી છે. (file photo)