
શિયાળા પહેલા આ ટીપ્સથી બાળકોની રોગપ્રતિકારક શક્તિને કરો મજબૂત, શરદી-ઉધરસ નહીં થાય
હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. શિયાળો દસ્તક દેવાનો છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે બાળકોને શરદી થઈ શકે છે. ખાસ કરીને 2 થી 10 વર્ષનાં બાળકોને શરદી થવાનું જોખમ વધારે છે. જ્યારે બાળકો શરદીથી પીડાય છે, ત્યારે કફ અને ઉધરસની સમસ્યા તેમને સૌથી વધુ પરેશાન કરે છે અને તેના કારણે બાળકોને તાવ પણ આવે છે.બાળકોને ઠંડીથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. આ સમયે બાળકોના ખાવા-પીવાથી લઈને સ્વચ્છતા સુધીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તેમને ઈન્ફેક્શન અને શરદીથી બચાવી શકાય.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
શિયાળામાં બાળકોની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બાળકોને હાથ ધોવાની આદત પડાવો. બાળકોને જમતા પહેલા અને પછી હાથ સાફ કરવાની આદત પડાવો. શિયાળામાં બાળકોના કપડાંની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો. બાળકોને દર 1-2 દિવસે નવડાવો અને અઠવાડિયામાં એકવાર તેમના વાળ ધોવા.
ફળો અને શાકભાજી ખવડાવો
ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે બાળકો વધુ બીમાર પડે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોને ખાટા ફળો અને શાકભાજી ખાવા દો. બાળકોના આહારમાં ડ્રાય ફ્રૂટ્સ જરૂરથી સામેલ કરો. બદામ અને અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
આયુર્વેદિક ઉપાય
બાળકને શરદી અને ઉધરસથી બચાવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવી શકાય છે. શરદી દરમિયાન બાળકને દિવસમાં એકવાર હળદરવાળું દૂધ આપો. ચવનપ્રાશ ખવડાવો અને દૂધમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો. શિયાળામાં બાળકના ભોજનમાં લસણ અને આદુ પણ ઉમેરો. આ વસ્તુઓ શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.