
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ એએમસીએ ચાલુ રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા 20 દિવસમાં 762 જેટલાં રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. પશુપાલકો સામે મ્યુનિ.ની નવી પોલીસી મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં રખડતા ઢોર અંગે નાગરિકો તરફથી 65 ફરિયાદો મળી હતી.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી અંત લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઝૂંબેશના રૂપે કામ કરી રહી છે. રખડતા ઢોર સામે નવી પૉલિસીના અમલવારીના ભાગરૂપે મ્યુનિ દ્વારા સપ્ટેમ્બર 2023 થી ડિસેમ્બર 2023 દરમિયાન શહેરમાં કુલ-22 જેટલી ટીમ બનાવી 9027 જેટલા પશુઓ પકડયા છે. જ્યારે કુલ 213 જેટલી પશુમાલિકો વિરુદ્ધ FIR દાખલ થઈ છે. જેમાં 32 જેટલી ઘર્ષણ / પશુ પકડવાની કામગીરીમાં અડચણ / સ્ટાફ ઉપર હુમલા જેવા બનાવની પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. આ સમયગાળામાં કુલ 37600 કિ.ગા જેટલો ઘાસચારો જપ્ત કરી 12 જેટલી ઘાસચારા વેચાણની ફરીયાદો નોંધવામાં આવી છે. પશુઓના લાયસન્સ / પરમીટ મેળવવા માટે શહેરમાંથી કુલ 15171 જેટલી અરજી આવી હતી. જે પૈકી 537 જેટલા લાયસન્સ / પરમીટ ઈસ્યુ કરવામાં આવી છે. જ્યારે 590 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવી છે. પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1541 પશુપાલકો દ્વારા 9938 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રખડતા ઢોર પકડવાની પોલિસીની અમલવારી શરૂ કરાયેલ તે અગાઉ એટલે કે જુલાઇમાં 2361, ઓગસ્ટમાં 2209 તેમજ સપ્ટેમ્બરમાં 449, ઓક્ટોમ્બરમાં 285, નવેમ્બરમાં 136 તો ડિસેમ્બરમાં માત્ર 65 રખડતા પશુ પકડવાની ફરિયાદો મળી છે. જે જોતા પોલીસીની અમલવારી કરાતા ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ મહિનાના પ્રથમ 20 દિવસમાં શહેરના 7 ઝોનના વિવિધ વિસ્તારો જેમ કે નરોડા પાટીયા, ગેલેક્સી, માછલી સર્કલ, પુનીતનગર, કેડીલા બ્રિજ, રખિયાલ, ગોમતીપુર, વાસણા, પાલડી, સિંધુભવન, શીલજ, ભાડજ, મકરબા, જોધપુર, ક્રિષ્ણધામ, સરસપુર, બાપુનગર, જશોદાનગર, મહાદેવનગર ટેકરો, તક્ષશીલા, સહિતના વિસ્તારોમાંથી 762 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.