
ગુજરાતમાં એક મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાશે, સફાઈ સ્પર્ધાનું પણ આયોજન
ગાંધીનગરઃ મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. 15 સપ્ટેમ્બરથી 15 ઓકટોબર-2023 દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે. અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને પણ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં જોડવાનું આયોજન કરાયું છે.
ગુજરાતમાં અગાઉના વર્ષોની જેમ આ વર્ષે સ્વચ્છતાની પ્રવૃત્તિઓનો હેતુ સ્વૈછિક શ્રમદાન છે. જેમાં રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, નદી કિનારા તથા તેમના ઘાટ અને નાળાઓ જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ કરાશે. સફાઇમિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત તા. 17મી સપ્ટેમ્બર 2023થી તમામ સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે તેમજ સફાઈકર્મીઓને પીપીઈ કીટ અને સુરક્ષા સાધનો અપાશે. ઉપરાંત સફાઈકર્મીઓને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની માહિતી અપાશે.
ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત રાજ્યના તમામ શહેરી મહત્વના સ્થળો જેવા કે ICONIC ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, જાહેર સ્થળો અને પ્રવાસ સ્થળોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓનું દેખીતી રીતે (Visible Cleanliness) થાય તેવું આયોજન કરાશે. રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આ ઉજવણી દરમિયાન તમામ ગામડાઓમાં જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો વગેરે પર સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અંતર્ગત ભીંતચિત્રો દોરાવવા તેમજ તમામ શાળા, કૉલેજોમાં ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ વિષય પર નિબંધ, ચિત્રકામ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાશે.
તમામ ગામોમાં બ્લેક સ્પોટની સફાઈ, ચાલુ વર્ષના GPDPમાં સ્વચ્છતા સંબંધિત અસ્કયામતો જેમ કે શોક પીટ, કંપોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ, વગેરેની જાળવણી અને મરામત કરાશે. વ્યક્તિગત સોકપીટ અને કંપોસ્ટ પીટ બનાવવા, સૂકા ભીના કચરા અને ઘન પ્રવાહી કચરા વ્યવસ્થાપન, તમામ અમૃત સરોવરો અને ગામ તળાવોએ વૃક્ષારોપણ કરવું અને ગામોમાં નાગરીકો સ્વચ્છતા સંકલ્પ લે, સ્વચ્છતા દોડ અને સ્વચ્છતા રેલીમાં સહભાગી થાય તેવું આયોજન કરાયું છે. ગામડાઓમાં શૌચાલયના વપરાશને લગતી પ્રચાર-પ્રસારની કામગીરી પણ કરાશે.
ગ્રામસભા યોજી ગામોને ODF Plus Model જાહેર કરવા/FSM /સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રતિબંધ માટે ઠરાવો કરવા તથા પ્રવાસન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રતિબંધ માટે હાથ ધરાયેલ “હરા ગીલા સુખા નીલા” ઝુંબેશ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનો/સફાઈ મિત્રોને પ્રોત્સાહિત કરાશે. તા. 17મી સપ્ટેમ્બર,2023થી તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. ગામોમાં જાહેર સ્થળોએ દીવા પ્રગટાવાશે તેમજ રાત્રિ ગરબાનું આયોજન પણ કરાશે.