T20 વર્લ્ડ કપ: ભારત-પાકિસ્તાન મેચ પર આતંકવાદી હુમલાની ભીતી, ISIS સંલગ્ન સંગઠનની ધમકી
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ ભારતીય સમય અનુસાર 2 જૂનથી શરૂ થઈ રહી છે. જો કે, ચાહકો જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે તે 9 જૂને ન્યૂયોર્કમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની છે. હવે આ મેચ આતંકવાદી હુમલાનો ઓછાયો છવાયો છે. ISIS સાથે સંકળાયેલા એક આતંકવાદી સંગઠને ‘લોન વુલ્ફ’ હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. ન્યૂયોર્ક પોલીસના એક ઉચ્ચ અધિકારીએ સુરક્ષા કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે અને ચેતવણી આપી છે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 જૂને ભારત-પાકિસ્તાન મેગા મેચ રમાશે.
બ્રિટિશ અખબાર ‘એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર, આતંકવાદી સંગઠને લંડનના વેમ્બલી સ્ટેડિયમ (ફૂટબોલ સ્ટેડિયમ) સહિત યુરોપના ઘણા મેદાનોને નિશાન બનાવવાની ધમકી આપી છે. વાસ્તવમાં, બ્રિટિશ ચેટ સાઇટ પર ISIS-K દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આઈઝનહોવર પાર્કમાં સ્થિત નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની તસવીર હતી અને ત્યાં ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. વીડિયોમાં 9/6/2024ની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જ દિવસે ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પણ રમાવાની છે.
નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે કહ્યું કે, વાયરલ વીડિયોમાં આતંકવાદી જૂથે ‘લોન વુલ્ફ’ હુમલાની ધમકી આપી છે. ‘લોન વુલ્વ્સ’ એ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા સભ્યો છે જેઓ સંગઠનોની પરવાનગી વિના સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, જેનાથી તેમને ટ્રેક કરવાનું વધુ મુશ્કેલ બને છે. રાયડરે કહ્યું કે, આઈઝનહોવર પાર્ક ખાતેના ક્રિકેટ સ્ટેડિયમમાં વધારાના પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘જ્યારે અહીંના રહેવાસીઓની સુરક્ષાની વાત આવે છે, ત્યારે અમે નજીકથી તપાસ કરીશું. દક્ષિણ અને મધ્ય એશિયામાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન ISIS-ખોરાસન (ISIS-K) દ્વારા ચેટ જૂથમાં પોસ્ટ કરવામાં આવેલ વિડિયોમાં ખતરાના સ્તર વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.


