T20 વર્લ્ડ કપ: ભારત-પાકના ખેલાડીઓની સુરક્ષા માટે તૈનાત કર્યા સ્પેશિયલ કમાન્ડો
કોલંબો, 30 જાન્યુઆરી 2026 : ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા ‘ભારત વિરુદ્ધ પાકિસ્તાન’ જંગની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 07 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ હાઈવોલ્ટેજ મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાવાની છે, જેને લઈને શ્રીલંકા સરકારે સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધો કર્યા છે.
શ્રીલંકાના ખેલ મંત્રી સુનિલ કુમારાએ સુરક્ષા અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન મેચ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી AFP સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “ટૂર્નામેન્ટમાં સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંને ટીમોની સુરક્ષા માટે ખાસ કમાન્ડો યુનિટ તૈનાત કરવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને.”
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને ભારતની ટીમો જ્યારે શ્રીલંકા પહોંચશે ત્યારે એરપોર્ટથી બહાર નીકળવાથી લઈને પાછા પ્લેનમાં બેસવા સુધી, હથિયારબંધ આર્મ્ડ ગાર્ડ્સ સતત તેમની સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ટીમ તેના તમામ મેચો શ્રીલંકાની ધરતી પર જ રમશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાન સામે ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.


