અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં પણ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડાની ઝડપ થોડી ઘટી હોવાથી તંત્રએ રાહત અનુભવી હતી. વાવાઝોડાને લીધે એસટી વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ટ્રેનો પણ 21મી સુધી રદ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં કુલ 9ના મોત નિપજ્યા છે.
અમદાવાદમાં સાજે વરસાદે વિરામ લીધો હતો પણ પવન ફુંકાઈ રહ્યો હતો. વરસાદને કારણે અમદાવાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અખબારનગર સહિત ઘણા અંડર બ્રીજ બંધ કરાયા હતા. પૂર્વ વિસ્તારમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અને રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન નડિયાદમાં ન્યુ શોરકનગરમાં વીજ વાયર પડતા માતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. તાઉ-તે વાવાઝોડાને લીધે ટ્રેન સેવા પણ પ્રભાવિત બની હતી. પાલનપુર-જોધપુર, ભીલડી-જોધપુર, અને મહેસાણા આબુરોડની ટ્રેનો રદ કરવામાં આવી હતી. સાણંદ-બાવળા રોડ પર વીજ વાયર પડતા ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. તાઉતે વાવાઝોડાના પગલે પાટણ શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતાં શહેરીજનોએ ગરમીથી રાહત અનુભવી હતી. તેમજ બફારો વધતાં શહેરીજનો પરેશાન બન્યા હતા. જોકે સમીસાંજ બાદ વરસાદ પડી રહ્યો છે. તાઉ’તે વાવાઝોડામાં સાંભવનાને લઈ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓમા 1370 વીજપોલ ઉતારી દેવામાં આવ્યાં આવ્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની ભયંકર અસર જોવા મળી હતી. ગઈકાલ રાતથી બીજા દિવસે આજે 16 કલાક સુધી ભારે પવને તારાજી સર્જી હતી. જિલ્લામાં પિતા-પુત્રીના મૃત્યુનો બનાવ બન્યો છે અને એક બનાવ ગારીયાધારમાં વૃદ્ધનું મોત થયું છે. જ્યારે શહેરમાં પણ એક મોત નીપજ્યું છે. ભાવનગરમાં અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો, પર્યાવરણને ભારે નુકશાન થયુ હતુ, વૃક્ષો દૂર કરવા કોર્પોરેશને 16 જેસીબી અને 3 ક્રેઇન કામે લગાડી, રસ્તા બ્લોક થતા તંત્ર ધંધે લાગ્યું હતુ. શહેર અને જિલ્લામાં 1000 હજાર વિજપોલ, 134 વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતા તેમ ડીઝાસ્ટર મેનેજમેન્ટએ જણાવ્યું હતું
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

