
મેનચેસ્ટર: વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મેનચેસ્ટર ખાતે મેચ રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. બંને દેશોએ વર્લ્ડ કપમાં આઠ મેચ રમી છે, જેમા પાંચમાં ભારત અને ત્રણમાં વેસ્ટઈન્ડિઝને જીત મળી છે. ભારત વધુ એક મેચ જીતશે તો તેની સાથે તેનો સેમિફાઈનલમાં દાવો વધુ મજબૂત થઈ જશે. બીજી તરફ વેસ્ટઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ચુકી છે. પરંતુ તે અન્ય ત્રણ મેચોમાં અન્ય ટીમોના સમીકરણો બગાડવાની કોશિશમાં હશે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. ટીમ ઈન્ડિયાના લાઈનઅપમાં કોઈ ફેરફાર નથી. ઈજાગ્રસ્ત ભુવનેશ્વર હાલ બહાર રહેશે અને મોહમ્મદ શમી રમશે. જ્યારે વેસ્ટઈન્ડિઝમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એશ્લે નર્સ અને એવિન લુઈસની જગ્યાએ સુનીલ અંબરીશ અને ફાબિયાન એલેનનો મોકો આપવામાં આવ્યો છે.
વેસ્ટઈન્ડિઝની ટીમ-
ક્રિસ ગેલ, સુનીલ અંબરીશ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમેયર, કાર્લોસ બ્રેથવેટ, ફાબિયાન એલેન, કેમાર રોચ, શેલ્ડન કોટરેલ, ઓશેન થોમસ
ટીમ ઈન્ડિયા-
કે. એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, વિજય શંકર, એમ. એસ. ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડયા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ
મેનચેસ્ટના ઓલ્ડ ટ્રેફર્ડની વિકેટ બેટ્સમેન અને બોલર બંનેને મદદ આપે છે. આ પિચ પર 300થી વધુના કોઈપણ સ્કોરથી પડકાર ઉભો કરી શકાશે. ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બેટિંગ કરવા ઈચ્છશે, કારણ કે મેચ આગળ વધશે તેમ સ્પીનર્સને મદદ મળવાની શક્યતા છે. આજે વરસાદની કોઈ સંભાવના નહીં હોવાથી મેચ 50-50 ઓવરની થશે. અહીં 20-21 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહેશે. તેનાથી હવામાન ખુશનુમા બની રહેશે.
ભારતને વર્લ્ડકપની સેમીફાઈનલમાં સ્થાન બનાવવા માટે વધુ બે મેચ જીતવાની છે. તેમાથી તે પહેલા આજની મેચને જીતવાની કોશિશ કરશે.