
- સાયબર હુમલાખોરો બેફામ
- તહેવારોમાં સૌથી વધુ સાયબર હુમલા થયા
- માલવેર, ડેટા બ્રિચનો સૌથી વધુ ખતરો
નવી દિલ્હી: કોવિડ-19ના રોગચાળાના સમયગાળા દરમિયાન ભારતમાં સાયબર ખતરાનો કેસોમાં વધારો થયો છે. મેકફ્રી એન્ટરપ્રાઇસ અને ફાયરઆઇએ સાયબર સિક્યોરિટીને લઇને ‘સાયબર ક્રાઈમ ઈન એ પેન્ડેમિક વર્લ્ડ: ધ ઈમ્પેક્ટ ઓફ Covid-19’ નામના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. આ રિપોર્ટમાં સાયબર ખતરાને કારણે ભારતમાં 77 ટકા કંપનીઓએ ડાઉનટાઇમનો સામનો કરવો પડ્યો છે તેવી જાણકારી પણ અપાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકા, ભારત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના 1451 આઇટી અને લાઇન ઑફ ડિસિઝન મેકર્સ સાથે વાતચીત કરવામાં આવી છે. ભારતમાં 52 ટકા આઇટી પ્રોફેશનલ્સ અનુસાર, દિવાળી, રમજાન અને ક્રિસમસ જેવા તહેવારોની રજાઓમાં સાયબર ખતરો વધી જાય છે. જ્યારે 32 ટકાએ બેંકની રજાઓ અને 12 ટકાએ શાળા-કોલેજની ઉનાળાની રજાઓ દરમિયાન સાયબર ખતરો વધ્યા અંગે જણાવ્યું છે.
સાયબર ખતરાઓ વિશે વાત કરીએ તો વાયરસની દૃષ્ટિએ સૌથી ટોચના ત્રણ સાયબર હુમલામાં માલવેર એટેક (47 ટકા), ડેટા બ્રિચ (43 ટકા), તેમજ રેન્સમવેર અને ક્લાઉડ જેકિંગ (દરેક 33 ટકા) હતા. 30 ટકાથી વધુ આઇટી પ્રોફેશનલ્સે તેમના ઇન્ટરનેટ ઑફ થિંગ્સ ડિવાઇસમાં નબળાઇઓનો અનુભવ કર્યો હતો.
82 ટકા કંપનીઓએ ક્લાઉડ સિક્યોરિટીમાં 66 ટકાએ એડવાન્સ્ડ થ્રેટ પ્રોટેક્શનમાં, 54 ટકાએ સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટરમાં, 48 ટકાએ મોબાઇલ સિક્યુરિટીમાં અને 48 ટકાએ એન્ડ પોઇન્ટ સિક્યુરિટીમાં રોકાણ કર્યું છે.
એડિશનલ સિક્યોરિટી માટે 69 ટકા સંગઠન નવા સોફ્ટવેર સોલ્યુશન લાગુ કરી રહ્યા છે, 68 ટકા ઈન્ટરનલ આઈટી રિલેટેડ કોમ્યુનિકેશનને મજબૂત કરી રહ્યા છે, 62 ટકા પોતાના સોફ્ટવેર અપડેટ વધારી રહ્યા છે.