ફેસબૂક ટ્રાન્સપરન્સી અહેવાલ: ભારત સરકારે ફેસબૂક પાસે 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ રજૂ કર્યો
- અહેવાલ અનુસાર ભારત સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનાના યૂઝર્સના ડેટા માંગ્યા
- સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનામાં તેની પાસેથી 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા
નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ પ્રસ્તુત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનામાં તેની પાસેથી 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા હતાં.
જાન્યુઆરી, 2020થી જૂન 2020 સુધીમાં ભારત સરકારે 35,560 યૂઝર્સના ડેટા માંગ્યા હતા. જો કે આ ડેટા કરતાં જુલાઇ, 2020થી ડિસેમ્બર, 2020 સુધી માંગવામાં આવેલા ડેટાની સંખ્યા 13.3 ટકા વધારે હતી.
ભારતના માહિતી પ્રસારણ મંત્રાલયના નિર્દેશોને અનુસરતા, ફેસબૂકે જુલાઇ થી ડિસેમ્બર, 2020 સુધીમાં 897 સામગ્રી પ્રતિબંધિત કરી હતી. જેમાંથી 10 સામગ્રી થોડાક સમય માટે પ્રતિબંધિત કરી હતી.
અહેવાલ પ્રમાણે, ભારતે જુલાઇથી ડિસેમમ્બર, 2020ની વચ્ચે કુલ 40,300 અરજીઓ મોકલી હતી જે પૈકી 37,865 અરજીઓ કાયદાકીય પ્રક્રિયાવાળી હતી જ્યારે 2,435 અરજીઓ ઇમરજન્સી ડિસ્ક્લોઝરવાળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યૂઝર્સની માહિતી માગવાની સૌથી વધુ અરજી કરનારાઓમાં ભારત બીજા ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે અમેરિકા છે જેણે જુલાઇ-ડિસેમ્બર, 2020ની વચ્ચે કુલ 61,262 યૂઝર્સના ડેટા માંગ્યા હતા. આપને જણાવી દઇએ કે ફેસબુક સરકાર તરફથી માગવામાં આવતી ડેટાની અરજીઓનો જવાબ સંબધિત કાયદાઓ અને પોતાની સેવાની શરતો મુજબ આપે છે.