
શ્રીનગરમાં હવે પોલીસની પાર્ટી પર થયો આતંકવાદી હુમલો,સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
- શ્રીનગરમાં પોલીસની પાર્ટી પર હુમલો
- સાંજના સમયે બની ઘટના
- સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
જમ્મુ : શ્રીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદની ઘટના વધી હોય તેવું લાગી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા હવે આતંકવાદ ફેલાવવા માટે નવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓ પહેલા કોઈ વ્યક્તિને નિશાન બનાવે છે અને પછી તેના પર હુમલો કરે છે, પણ હવે લાગે છે કે આતંકવાદીઓની આ યાદીમાં પોલીસ પણ છે.
રવિવારે મોડી સાંજે શ્રીનગર શહેરના નવાકદલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
જેમાં એક જવાન ઘાયલ થયો હતો. જો કે તરત જ મોરચો સંભાળી લેતા પોલીસ જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ અંધારા અને ભીડનો લાભ લઈને આતંકીઓ નાસી છૂટ્યા હતા.
જાણકારી અનુસાર આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર અત્યાધુનિક ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ કરીને નાસી છૂટ્યા. પોલીસની સાથે સેના અને સીઆરપીએફના જવાનોએ તરત જ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નવાકદલના જમાલતા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન, હુમલામાં ઘાયલ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલ પોલીસ અને સેના દ્વારા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. આસપાસના CCTV ફૂટેજને પણ સ્કેન કરવાના પ્રયાસો ચાલુ છે જેથી કરીને હુમલાખોરોને શોધી શકાય. હુમલાખોર આતંકવાદીઓ આસપાસમાં ક્યાંક છુપાયા હોવાની આશંકા છે. જોકે, સુરક્ષા દળોને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. પરંતુ સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.