કાશ્મીર ઘાટીમાં NIAની તપાસથી ભયભીત આતંકી સંગઠન TRFએ આપી ધમકી
- એનઆઈએએ તપાસનો ધમધમાટ તેજ કર્યો
- કેટલાક સ્થળો ઉપર દરોડા પાડી શરૂ કરી તપાસ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઓપરેશનથી ભયભીત થયેલા આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસોથી બિન-કાશ્મીરીઓની હત્યા કરી રહ્યાં છે. જેથી હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ઘાટીમાં ધામા નાખીને આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી તેજ બનાવી છે. એનઆઈએની આ કાર્યવાહીથી ભયભીત થયેલા આતંકવાદી સંગઠન ટીઆરએફએ એનઆઈએને ધમકી આપી છે. એનઆઈએ સતત ટીઆરએફ સાથે સંકળાયેલા ઉપર દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીઆરએફનો ચીફ પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદનો જમાઈ છે. એનઆઈને ધમકી આપતી પોસ્ટમાં ટીઆરએફએ ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આવી છે. તેમજ વધુમાં કહ્યું કે, તેઓ પોતાના આતંકવાદી ઓપરેશનનો વિસ્તાર વધારી રહ્યાં છે. હવે એનઆઈએ વધારે તૈયાર થઈ જાય. દરમિયાન એનઆઈએએ આજે પણ કાશ્મીરમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. જેમાં શ્રીનગરના કેટલાક ઘરનો સમાવેશ થાય છે. જે વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં છે તેમાં શ્રીનગરના ઈદગાર અને ચનપુરા ઉપરાંત કુલગામ, બારામુલા અને સોપોરનો સમાવેશ થાય છે. એનઆઈએ દ્વારા લગભગ 11 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા.
કાશ્મીરમાં નિર્દોશ નાગરિકોની હત્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેથી સરકારની ચીંતામાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ વધારે સતર્ક બની છે અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે કવાયત શરૂ કરી છે.