ગુજરાતની અદાલતોને RDX થી ઉડાવી દેવાની આતંકી ધમકી, પોલીસ દોડતી થઈ
અમદાવાદ, 6 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની અદાલતોને RDX વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિદેશી ધરતી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલને પગલે તમામ અદાલતોમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી છે અને હજારો વકીલો તથા અસીલોને સલામત સ્થળે ખસેડી ન્યાયિક કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, સોમવારે રાત્રે આશરે 2:00 વાગ્યે અજાણ્યા શખસ દ્વારા અદાલતોના સત્તાવાર મેઈલ આઈડી પર અંગ્રેજીમાં ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે કર્મચારીઓએ મેઈલ ચેક કર્યો ત્યારે આ બાબત સામે આવી હતી. તાત્કાલિક ધોરણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરાતા તેમણે પોલીસ કાફલાને તેડાવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે તમામ કોર્ટ બિલ્ડિંગોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજિત રાજિયને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં આ ધમકીભર્યા ઈ-મેઈલ ભારત બહારથી કરવામાં આવ્યા હોવાનું જણાય છે. આ પ્રકારના મેઈલ મોકલીને માત્ર ભય અને અફરાતફરીનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમારી ટેકનિકલ ટીમો મેઈલના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.”
ધમકી મળતાની સાથે જ અમદાવાદની લાલ દરવાજા સિવિલ કોર્ટ અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની અનેક ટીમોએ મેટલ ડિટેક્ટર સાથે તપાસ શરૂ કરી છે. કોર્ટના પાર્કિંગ, કેન્ટીન, રેકોર્ડ રૂમ, જજની ચેમ્બર્સ અને લાઈબ્રેરીના ખૂણેખૂણા ફેંદી મારવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને દરેક આવનાર વ્યક્તિનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયાને જણાવ્યું કે, “RDX થી કોર્ટ ઉડાવવાની ધમકી મળતા જ જજ સાહેબના આદેશથી કામગીરી બંધ રાખવામાં આવી છે. જ્યાં સુધી પોલીસ તરફથી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી કોઈને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં.” ગઈકાલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ આવી જ ધમકી મળી હતી, જે બાદ આજે રાજ્યવ્યાપી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સાયબર ક્રાઈમના મૂળ સુધી પહોંચવા સક્રિય થઈ છે.
હાલ મળી રહેલા અહેવાલો મુજબ, વિવિધ સ્થળોએ કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, સુરક્ષાને જોતા હજુ પણ પોલીસ અને SOGની ટીમો સતર્ક છે.


