ટેસ્ટ ક્રિકેટ: છેલ્લી ઓવરમાં વિકેટ પડશે તો મેચ હવે અધવચ્ચે નહીં અટકે
લંડન, 3 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગતમાં નિયમો બનાવતી સર્વોચ્ચ સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા વર્ષ 2026 માટે નવા કાયદાઓની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સુધારાઓમાં ટેસ્ટ ક્રિકેટના એક વર્ષો જૂના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે રમતને વધુ રોમાંચક અને રસાકસીભરી બનાવશે. ખાસ કરીને દિવસની છેલ્લી ઓવરમાં રમત બંધ કરવાના નિયમમાં કરાયેલો ફેરફાર ફિલ્ડિંગ ટીમ માટે ફાયદાકારક સાબિત થશે.
અત્યાર સુધીના નિયમ મુજબ, જો ટેસ્ટ મેચમાં દિવસની છેલ્લી ઓવર ચાલતી હોય અને તે દરમિયાન કોઈ વિકેટ પડે, તો તે દિવસની રમત ત્યાં જ સમાપ્ત કરી દેવામાં આવતી હતી. બેટિંગ ટીમ બીજા દિવસે પોતાની રણનીતિ મુજબ નવા બેટ્સમેનને મેદાનમાં ઉતારતી હતી. જોકે, MCC ના નવા કાયદા 12.5.2 મુજબ હવે આ નિયમ બદલાઈ ગયો છે. હવે જો છેલ્લી ઓવરમાં વિકેટ પડશે, તો રમત ત્યાં બંધ નહીં થાય. ઓવરના બાકીના દડા ફેંકવા ફરજિયાત રહેશે અને નવા બેટ્સમેને તે દિવસે જ મેદાનમાં આવીને રમતનો સામનો કરવો પડશે. આ ફેરફારથી દબાણ બનાવી રહેલી ફિલ્ડિંગ ટીમને ફાયદો થશે અને બેટ્સમેનો પર માનસિક પ્રેશર વધશે. MCCએ મહિલા ક્રિકેટ અને અન્ડર-13 (જુનિયર) ક્રિકેટમાં વપરાતા બોલના સ્પેસિફિકેશનમાં પણ ટેકનિકલ ફેરફાર કર્યા છે. બોલના વજન અને કદમાં કરાયેલા આ ફેરફારો રમતની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવ્યા છે.
ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા ઓવરમાં વિકેટ પડ્યા બાદ રમત ચાલુ રાખવાથી ચાહકોમાં રોમાંચ વધશે. ઘણીવાર ફિલ્ડિંગ ટીમ મેચ પર પકડ બનાવી લેતી હોય છે, પરંતુ જૂના નિયમને કારણે બેટિંગ ટીમને ‘સેફ પેસેજ’ મળી જતો હતો. હવે નવા નિયમથી બોલરોને છેલ્લી ક્ષણ સુધી આક્રમક રહેવાની તક મળશે. આ નવા નિયમો 2026થી તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચોમાં લાગુ કરવામાં આવશે.


