
વઢવાણઃ શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. આજે તંત્રના વાંકે મોરારજીકૂંડની હાલત દયનીય બની છે.
ઝાલાવાડ પંથકમાં વઢવાણ શહેર એ ઐતિહાસિક છે. શહેરના નવા દરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ વર્ષ જૂનો મોરારજીનો કુંડ તેમજ હનુમાનજીની જગ્યા આવેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કુંડ જર્જરિત સાથે કુંડમાં લીલની લીલી જાજમ બીછાઇ જતાં ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ કુંડના પથ્થરો ચારેય બાજુથી જર્જરિત થવાથી આ જગ્યાએ દર શનિવાર સાથે દરરોજ મંદિર તેમજ કુંડના દર્શનાર્થે લોકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના આ ઐતિહાસિક કુંડમાંથી 43 વર્ષ પહેલા આ વિસ્તારના લોકો પીવાનું તેમજ કપડા ધોવા માટે પાણી લઇને ઉપયોગ કરતા હતા. હાલ આ વિસ્તારમાં 500થી વધુ રહીશો રહે છે. પરંતુ કુંડમાં પાણી હોવા છતા બિનોપયોગી બન્યો છે. આ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, કૂંડ જર્જરિત હોવા છતાં તેમજ લીલવાળુ પાણી હોવા છતાં આ વિસ્તારના નાના બાળકો પણ અવારનવાર નહાવા પડતા હોય છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ મોરારજીના કુંડની સંભાળ લઇને કુંડની આગળ દિવાલ ગેટ બનાવી બારણુ મુકવામાં આવે અને કુંડ ફરતી પણ સુરક્ષારૂપી દિવાલ કરવામાં આવે તેવી માગ છે. વર્ષો પહેલા આ કુંડ પાણી માટેનો મહત્વનો સ્ત્રોત હતો. આ કુંડમાં મીઠુ પાણી આવતું હોવાથી લોકો તેનો પીવામાં પણ ઉપયોગ કરતા હતા.