
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું
- ઉમેદવારો 19 જુલાઇ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે
- ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે 6 ઓગસ્ટે મતદાન થશે
દિલ્હી:દેશના નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈના રોજ મતદાન થવાનું છે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ઉપપ્રમુખની ચૂંટણી પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતાની સાથે જ નોમિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો 19 જુલાઇ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 20 જુલાઈના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે.ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેઓ 22 જુલાઈ સુધી તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે 6 ઓગસ્ટે મતદાન થશે.
ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે 6 ઓગસ્ટે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો પણ આવશે. જો શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પર સહમત થાય અને સર્વસંમતિ સધાય તો મતદાનની જરૂર રહેશે નહીં.
આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ પણ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાઈ શકે છે.જો કે આની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. નોંધનીય છે કે દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.વેંકૈયા નાયડુનો કાર્યકાળ પૂરો થવાના ચાર દિવસ પહેલા જ એ સ્પષ્ટ થઈ જશે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે.