
બનાસકાંઠાના તમામ ડેમના તળિયા દેખાયાઃ પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. અનેક જિલ્લાના જળાશયોમાં નહીવત પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં તમામ ડેમના તળિયા દેખાઈ રહ્યાં છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાણી માટે વલખા મારવાના દિવસો આવ્યાં છે. જો હવે વરસાદ વધારે ખેંચાશે તો બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી કરે છે. તેમજ ભૂગર્ભ જળના ઉપયોગ થકી પણ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળ ઉંડા ગયા છે. બીજી તરફ વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા ઉભી થઈ છે. જિલ્લાના મુખ્ય ડેમ એવા દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે. દાંતીવાડા ડેમમાં 9 ટકા અને મુક્તેશ્વર ડેમમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે સીપુ ડેમ એકદમ ખાલી થઈ ગયો છે. બનાસકાંઠામાં 1.50 લાખ હેકટર બિન પિયત અને 4.50 લાખ હેકટર પિયત વિસ્તાર છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલનું કહેવું છે કે હજુ જિલ્લામાં દસ દિવસ વરસાદ ખેંચાય તો ખેતીના પાકોને નુકસાન થઈ શકે છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પાકનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શકે નહીં. જે ઉપરાંત વરસાદ ન થાય તો વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતોએ ક્રોપિંગ પદ્ધતિ ચેન્જ કરવી પડે. વરસાદ ન થાય તો ખેડૂતોએ ઘાસચારા કઠોળ તેમજ દિવેલાના પાકોના વાવેતર તરફ ખેડૂતોએ વળવું પડે.