
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો 21મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. બે દિવસીય સત્રમાં ઢોર નિયંત્રણ કાયદાને રદ કરતું વિધેયક લાવવામાં આવશે. સરકારે ગયા સત્રમાં શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણનો કાયદો ઘડ્યો હતો. પરંતુ કાયદાનો અમલ કરી શકાયો નહતો. કારણ કે માલધારી સમાજ દ્વારા આ કાયદા સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ યોજાવવાની છે, ત્યારે માલધારી સમાજને નારાજ કરીને સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર સામે સરકારી, અર્ધ સરકારી કર્મચારી સંગઠનોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મોરચો ખોલ્યો છે. ઉપરાંત વિવાદિત ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજે પણ મોરચો ખોલ્યો છે. માલધારી સમાજ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં બેઠકો યોજી આગામી સપ્તાહે વિશાળ સંમેલન યોજવાની શરૂ થયેલી તૈયારીઓ સામે ભાજપએ પોતાના માલધારી સેલને મેદાને ઉતાર્યો છે. ભાજપ માલધારી સેલના સંયોજક ડો.સંજય દેસાઇએ જાહેર કર્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાના 21મી સપ્ટેમ્બરથી મળનારા સત્રમાં જ સરકાર ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા બિલ લાવશે.
ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદાને લઇ માલઘારી સમાજનામાં નારાજગી જોવા મળી હતી. માલઘારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. માલઘારી સમાજની નારાજગીને ઘ્યાને લઇ ભાજપના માલઘારી સમાજના પ્રદેશના આગેવાનો અને સમાજના સંતોએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હતી. આગેવાનોની રજૂઆત સાંભળ્યા પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમસ્ત માલઘારી સમાજના આગેવાનો અને સંતોને આશ્વાસન આપ્યું કે ઢોર નિયંત્રણનો આ કાયદો આવનારા સત્રમાં રદ કરવામાં આવશે. આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર માલઘારી સમાજ સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.