કેન્દ્ર સરકાર દેશના બંદરો પર માળખાગત સુવિધાઓ વિકસાવશે, દરિયાઈ વેપારને મળશે વેગ
- દેશના બંદરોનો થશે વિકાસ
- દરિયાઈ વેપાર વધારવા સરકાર પ્રતિબદ્ધ
- સરકાર 100 લાખ કરોડનો કરશે ખર્ચ
દિલ્લી: કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે.
દીનદયાળ પોર્ટ કંડલા મધ્યે 277 કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્યું હતું. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે 126.50 કરોડ, નવી 8મી ઓઇલ જેટી બનાવવા માટે 99.09 કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે 36 કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે 15 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, દીનદયાળ પોર્ટના વાઈસ ચેરમેન નંદિશ શુક્લા, બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.