
શિક્ષણ મંત્રીએ શાળાઓની ફીમાં 25 ટકા રાહતની જાહેરાત કરી પણ પરિપત્ર હજુ કરાયો નથી
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં વાલીઓના આર્તિક હાતલ કફોડી બનતા સરકારે 2020-21 દરમિયાન શાળાઓમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી.આ ફી માફી 2021-22 દરમિયાન યથાવત રહેશે જેની શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. પરંતુ પરિપત્ર જાહેર કર્યો નહતો. જેથી કોંગ્રેસ દ્વારા પરિપત્ર જાહેર કરીને ફી માફી આપવા માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ વ્યવસ્થા પર અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે. 14 મહિના કરતા વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓનું કાર્ય સંપૂર્ણપણે બંધ હતું. શાળા સંકુલોમાં ધો.1 થી 5ના વર્ગો આજે પણ હજી શરૂ થયા નથી. શૈક્ષણીક સંકુલો / શાળાના સંચાલકોને વીજળી ખર્ચ, વહીવટી ખર્ચ, મેઈન્ટેનન્સ ખર્ચ, લેબોરેટરી ખર્ચ, સહિતના કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ થયા નથી. સાથો સાથ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર હજી શરૂ થયું નથી ત્યારે સામાન્ય મધ્યમવર્ગના વાલીઓ પાસેથી સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી છે?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન શિક્ષણમંત્રી વારંવાર માધ્યમો સમક્ષ 25 ટકા શાળાફીમાં રાહત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે પણ આજદિન સુધી સરકાર તરફથી આ અંગે પરિપત્ર જાહેર થયો નથી અને પરિણામે શાળા સંચાલકો પૂરેપુરી ફી વસૂલવા માટે વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી 25 ટકા ફીમાં રાહત અંગે પરિપત્રના અભાવે વાલીઓ અને સંચાલકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. ફીમાં 25 ટકા રાહત તો એક બાજુ પણ મોટા ભાગની શાળાઓએ એડહોક ફી ના નામે વર્ષ 2021-22માં ઉંચી ફી વાલીઓ પાસે ઉઘરાવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી ફી નિયમન સમિતિએ ફીના નવા ધોરણો જાહેર કર્યા નથી તે પણ ચિંતાનો વિષય છે.