1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ, ગંભીર બીમારીઓની સ્ક્રીનિંગ,સારવાર મફત કરાશે
નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ, ગંભીર બીમારીઓની સ્ક્રીનિંગ,સારવાર મફત કરાશે

નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ, ગંભીર બીમારીઓની સ્ક્રીનિંગ,સારવાર મફત કરાશે

0
Social Share

પાલનપુરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ આજે ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે. આ યોજનાનો 3 કરોડ ગુજરાતીઓને લાભ મળશે.

મુખ્યમંત્રીએ આ મહાભિયાનનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ ગંભીર અને જીવલેણ બની જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, થાય તો ઉગતા જ ડામી દેવાય એટલુ જ નહીં પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા આ ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે,

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.કે,  આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય કેન્દ્રોમાં ઉજવીને બિનચેપી રોગોની ફોલોઅપ ટ્રીટમેન્ટ તબીબો અને આરોગ્ય કર્મીઓ આપશે.  આ અભિયાન અંતર્ગત આરોગ્ય સેવાકર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને ત્રીસ વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરશે અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓથી “સર્વે ભવંતુ સુખીન:” નો ધ્યેય પાર પાડશે. મુખ્યમંત્રીએ આવી યોજનાઓના લાભ લેવા માટેના જરૂરી કાર્ડ જરૂરિયાતમંદ પરિવારો અવશ્ય મેળવી લે તેવી અપીલ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.12 થી 15 હજારનો ખર્ચ બચશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને નિરામય કાર્ડ પ્રતિક રૂપે અપાયા હતા સાથે સાથે ‘નિરામય ગુજરાત’ સંદર્ભે પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું સાથે સાથે ઉપસ્થિત સૌને ‘ સ્વસ્થ જીવન જીવવા માટેની પ્રવૃત્તિ કરવાનો’ સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. મુખ્યયમંત્રીએ આ પ્રસંગે ફૂટબોલની મહિલા ખેલાડીઓ સાથે શુભેચ્છા્ મુલાકાત કરી હતી. આ યોજનાના રાજ્યવ્યાપી પ્રારંભ ના સમયે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવો ઇ- માધ્યમ થી જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code