
ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ઝડપી વધારાના કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો- આરબીઆઈ
- ઉત્પાદન અર્થવ્યવસ્થા ક્ષેત્રમાં વેગ
- ઝડપથી વધી રહી છે અર્થવ્યવસ્થા
- ઉત્પાદન પ્રવૃત્તિમાં ઝડપી વધારાના કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી બાદ દેશની અર્થવ્યવસ્થાનો વેગ ઘીમો પડ્યો હતો, જો કે સ્થિતિ સામાન્ય થતાની સાથે જ ફરીથી દેશની અર્થવ્યવસ્થા પાટા પર ફરી હતી, ત્યારે હવે આ બાબતે રિઝર્વ બેંકે કહ્યું છે કે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો થવાને કારણે ભારતીય અર્થતંત્ર પાટા પર આવી ગયું છે. સેવાઓ પણ વિસ્તરી રહી છે અને બજારમાં પૂરતી મૂડી પ્રવાહિતા જોવા મળી છે.
આ બાબતને લઈને મંગળવારના રોજ જારી કરવામાં આવેલા પત્રમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિઓ મહામારીના દબાણમાંથી સંપૂર્ણપણે બહાર આવી છે. માંગ અને વપરાશ પણ ઝડપથી વધી રહ્યી છે, જેને પુરવઠા દ્વારા વળતર આપવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક અને વીજ વપરાશ પણ કોવિડ પૂર્વેના સ્તરને પાર કરી ગયો છે. ડેપ્યુટી ગવર્નર માઈકલ દેવદ્રત પાત્રાની આગેવાની હેઠળના લેખ મુજબ એપ્રિલથી ચાર મહિનામાં, ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં ઈ-વે બિલમાં 17.3 ટકાનો વધારો થયો છે. જુલાઈમાં છૂટક ફુગાવો પણ 0.70 ટકા ઘટ્યો હતો. કઠોળ અને શાકભાજીના ભાવ ઘટવાના કારણે ગ્રાહકોને રાહત મળી છે.
વધુમાં આરબીઆઈ એ કહ્યું છે કે કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન ખાદ્ય પદાર્થો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની કિંમતો પ્રથમ લહેર કરતા ઓછી વધેલી જોવા મળી છે. પ્રથમ લોકડાઉન દરમિયાન, 22 ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં સરેરાશ 7 ટકાનો વધારો થયો છે, જ્યારે બીજા તરંગ દરમિયાન, ખાદ્ય તેલ સિવાય અન્ય ઉત્પાદનોમાં વધારે વધારો થયો નથી.