
સુરતઃ શહેરના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં તાજેતરમાં સંકલન સમિતિની બેઠક મળી હતી, આ બેઠકમાં મ્યુનિના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોએ રોડ-રસ્તાઓ પર પડેલા ખાડાઓ તેમજ ગટરો ઊભરાવવાની સમસ્યા રજુ કરી હતી. ધારાસભ્યોએ તો મ્યુનિના અધિકારીઓ પ્રજાના પ્રશ્ને રજુઆતો કરવા છતાંયે કોઈને ગાંઠતા નથી એવી ફરિયાદો કરતાં મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે એવી ખાતરી આપી હતી કે, આગામી 7 દિવસમાં શહેરના તમામ ઝોનના રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવશે. વરસાદ બંધ હશે તો ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કામગીરીને લઈને સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. તમામ ઝોનમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે પૂરતો સ્ટાફ અને મશીનરી પણ ડિપ્લોય કરી દેવામાં આવશે.
સુરતના પ્રભારી અને નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં બે દિવસ પહેલા સર્કિટ હાઉસ ખાતે જનહિત પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિ કોર્પોરેશનના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેમના દ્વારા કમિશનરને કામગીરી યોગ્ય ન થતી હોવાની સીધા શબ્દોમાં ફરિયાદ કરવામાં આવી હતી. રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટીઓની અંદર ડ્રેનેજની ગટરો ઉભરાઈ રહી છે. અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છતાં તેઓ ગાંઠતા નથી. પ્રભારી મંત્રી દ્વારા પણ મ્યુનિસિપલ કમિશનરને લોકોની ફરિયાદોના અને જન પ્રતિનિધિઓની ફરિયાદોના ઉકેલ લાવવા માટે તત્કાળ કામગીરી શરૂ કરવા કહેવામાં આવ્યું હતુ. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, આગામી સાત દિવસમાં શહેરના તમામ ઝોનના રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવશે. વરસાદ બંધ હશે તો ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. કામગીરીને લઈને સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. તમામ ઝોનમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે પૂરતો સ્ટાફ અને મશીનરી પણ ડિપ્લોય કરી દેવા માટે કહી દેવામાં આવ્યું છે.