દેશમાં 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા નોંધાયો, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથમાં વધારો
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને વેપાર-ધંધામાં સતત વધારો થયો છે. દરમિયાન દેશમાં વર્ષ 2023-23માં આર્થિક વૃદ્ધિ દર લગભગ 7.2 ટકા જેટલો રહ્યો છે, એટલું જ નહીં અનુમાન કરતા વધારે વિકાસદર નોંધાયો છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથમાં પણ વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 0.6 ટકાથી વધીને 4.5 ટકા જેટલો નોંધાયો છે.
કેન્દ્ર સરકારે GDPના આંકડા જાહેર કર્યા છે. ચાલુ વર્ષ એટલે કે 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7.2 ટકા રહ્યો છે. વર્ષ 2022-23માં વિકાસ દર અનુમાન કરતાં વધુ રહ્યો છે. વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.1 ટકા રહ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2023 સુધી ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે GDP વૃદ્ધિ દર 4 ટકાથી વધીને 6.1 ટકા રહ્યો છે, GVA- એટલે કે, ગ્રોસ વેલ્યુ એડેડમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર 6.5 ટકા રહ્યો છે. વાર્ષિક ધોરણે GVA વૃદ્ધિ દર 3.9 ટકાથી વધીને 6.5 ટકા રહ્યો છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ 0.6 ટકાથી વધીને 4.5 ટકા રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થા માટે આશાસ્પદ ગતિ જોઈને 2022-23ના જીડીપી વૃદ્ધિના આંકડાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, “2022-23 જીડીપી વૃદ્ધિના આંકડા વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને રેખાંકિત કરે છે. એકંદર આશાવાદ અને આકર્ષક મેક્રો-ઈકોનોમિક સૂચકાંકો સાથે આ મજબૂત પ્રદર્શન, આપણા અર્થતંત્રના આશાસ્પદ માર્ગ અને આપણા લોકોની મક્કમતાનું ઉદાહરણ આપે છે.”