
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશનો અમૃતકાળ વિકાસનો અમૃત મહોત્સવ બને તેવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના દરેક સમાજના સર્વાંગિણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જણાવ્યું હતું. તાપી જિલ્લાના સરહદી ગામોની ગત દિવસોમાં લીધેલી મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ દીર્ઘદ્રસ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના વિકાસનો શ્રેય જાય છે તેમ જણાવી, ખાસ કરીને ઉચ્ચશિક્ષણ અને રમતગમત ક્ષેત્રે આજે જે સિદ્ધિઓ સમાજ જોઈ રહ્યો છે તે વડાપ્રધાનના પ્રયાસોને આભારી છે તેમ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાની બજેટ જોગવાઈ સાથે ડબલ એન્જીન સરકાર દેશની આઝાદીના અમૃતકાળમા વિકાસનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે તેમ જણાવ્યું હતું. વંચિતોના વિકાસ માટે શ્રેણીબદ્ધ વિકાસ યોજનાઓની ભેટ આપનારા વડાપ્રધાનના પ્રયાસોને કારણે આજે છેવાડાના માનવીઓનો પણ સમુચિત વિકાસ થયો છે, તેમ જણાવતા ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર વતી સૌને ‘વિશ્વ આદિવાસી દિવસ‘ની શુભકામનાઓ પાઠવી હતી. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, રાજ્ય સરકારે આદિવાસી બાંધવોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે, વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ રૂ.એક લાખ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીના પારદર્શી નેતૃત્વમાં 1.03 લાખ આદિવાસીઓ-માતા બહેનોને 14 લાખ એકરની જંગલ જમીનના માલિકી હકો આપ્યા છે.
આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા તકસાધુઓની વાતોમાં ન ભરમાવા ભારપૂર્વક જણાવી ડીંડોરે વાસ્તવિકતા, અને જમીની હકીકત ચકાસવા હાંકલ કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પુરોગામી સરકારોએ વોટબેંકની રાજનીતિથી પ્રેરિત થઈને, આદિજાતિ સમાજને વિકાસના ફળોથી વંચિત રાખવામાં કોઈ કસર છોડી નથી. વર્તમાન સરકારના સુશાસન પહેલાના 40 વર્ષનું બજેટ માત્ર રૂ. 6500 કરોડ હતું. જ્યારે અમારી સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રૂ. 17 હજાર કરોડ માત્ર 5 વર્ષના બજેટમાં ફાળવ્યા હતા. ઉપરાંત, રાજ્ય સરકારે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-2‘ હેઠળ વર્ષ 2021-22 થી 2025-26 સુધીમાં રૂ. 1 લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે એમ જણાવી, રાજ્યના સૌ આદિજાતિ નાગરિકોને આદિવાસી દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આદિવાસીઓના સમગ્રત્તયા વિકાસનો અભિગમ અપનાવી ગુણવત્તાસભર શિક્ષણ, કૌશલ્યવર્ધન સાથે રોજગારી તથા આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારે જંગલ જમીનના અધિકારો આપવા માટે રાજ્ય સરકારે 1700 થી 2000 સનદ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના કોટવાળીયા સમાજના 4000 જેટલા પરિવારોને આવાસ પૂરા પાડવાનું આયોજન અમારી સરકારે બજેટમાં આવરી લીધું છે. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની સ્પષ્ટ અને હકારાત્મક નીતિના કારણે આદિવાસી બાળકો સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. આ સંદર્ભે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, અગાઉ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની અનામત સીટો ખાલી રહેતી હતી, જ્યારે આજે સરકારના પ્રયાસોથી સીટો પૂર્ણતયા ભરાય છે. મેડિકલ અભ્યાસ માટે રૂ. 15 લાખ અને પાયલોટના અભ્યાસ માટે રૂ. 25 લાખની લોનસહાય માત્ર વાર્ષિક 4 ટકાના વ્યાજ દરે આપી રહી છે. આ પ્રકારની સેંકડો યોજનાઓએ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલી આપ્યા હોવાનું હળપતિએ ઉમેર્યું હતું.