મધ્યસ્થી બનવા નીકળેલા પાક. પાસે અમીરાતે 2 બિલિયન ડોલરનું દેવું તાત્કાલિક પાછું માંગ્યું
દુબઈ, 3 એપ્રિલ 2026: આર્થિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન હવે વધુ એક મોટી મુસીબતમાં મુકાયું છે. એકતરફ પાકિસ્તાન મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ‘મધ્યસ્થી’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના ‘પરમ મિત્ર’ ગણાતા સંયુક્ત આરબ અમીરાત એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. UAE એ પાકિસ્તાનને આપેલું 2 અબજ ડોલરનું દેવું વ્યાજ સાથે તાત્કાલિક પરત કરવા તાકીદ કરી છે.
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં UAE એ પાકિસ્તાનને આર્થિક સ્થિરતા માટે 2 અબજ ડોલરની લોન આપી હતી. અગાઉ આ લોન પર 3 ટકા વ્યાજ વસૂલવામાં આવતું હતું, જે વધારીને હવે 6.5 ટકા કરી દેવામાં આવ્યું છે. UAE એ હવે કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે આગામી 17 એપ્રિલ સુધીમાં પાકિસ્તાને આ પૂરેપૂરી રકમ પરત કરવી પડશે.
રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તણાવ પાછળ મધ્ય પૂર્વના યુદ્ધ અંગેના અલગ-અલગ દ્રષ્ટિકોણ જવાબદાર છે. પાકિસ્તાન ઈચ્છે છે કે ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેની જંગ જલ્દી અટકી જાય અને આ માટે તે તુર્કી તથા ઇજિપ્ત જેવા દેશો સાથે સંપર્ક કરી રહ્યું છે. તેનાથી વિપરીત, UAE નું વલણ ટ્રમ્પ વહીવટીતંત્રના પક્ષમાં હોવાનું જણાય છે. અમીરાત ઈચ્છે છે કે ઈરાનનો પ્રાદેશિક પ્રભાવ અને તેની ‘દાદાગીરી’ કાયમી ધોરણે ખતમ થાય, જે પાકિસ્તાન માટે સ્વીકાર્ય નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી કરાવવાના પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગે છે. હવે આ મામલે રશિયાએ એન્ટ્રી કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે શાંતિ પ્રક્રિયાની કમાન સંભાળી છે. પુતિનના પ્રેસ સેક્રેટરી દમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે રશિયા જે પણ કરવું પડશે તે કરશે.
રૉયટર્સના અહેવાલ મુજબ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે તાજેતરમાં જ પાકિસ્તાની મધ્યસ્થીઓ સાથે વાતચીત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સીઝફાયર (યુદ્ધવિરામ) માટે તૈયાર છે, પરંતુ તેમની કેટલીક કડક શરતો છે. જેમાં સૌથી મહત્વની શરત ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ફરીથી ખુલ્લું કરવાની છે, જેથી વૈશ્વિક વેપાર સુરક્ષિત રીતે ચાલી શકે.
28 ફેબ્રુઆરીથી ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ સમગ્ર ક્ષેત્ર યુદ્ધની લપેટમાં છે. હિઝબુલ્લાહ અને હૂતી બળવાખોરો પણ સક્રિય થયા છે. આવા સમયે UAE પાકિસ્તાન પર આર્થિક દબાણ વધારીને તેને પોતાની વિદેશ નીતિ સ્પષ્ટ કરવા મજબૂર કરી રહ્યું છે. જો પાકિસ્તાન 17 એપ્રિલ સુધીમાં આ રકમ નહીં ચૂકવે, તો તેની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની શકે છે.


