
સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની નબળી કામગીરીને પગલે આખો સ્ટાફ બદલી દેવાયો
સુરત: રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હોય તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સામુહિક બદલી કરવાની તાકિદ કરયા બાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બદલવાનો સિલસિલો સુરતથી જ શરૂ કરાયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મચારીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી.
સુરત ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાંમાં વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ સ્ટેશનમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પોલીસ બેડામાં જ ચર્ચા છે કે સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો, જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ચાલી રહી છે.