ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો, 10નું પરિણામ માસાંતે જાહેર કરાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે ધોરણ 10ના પરિણામ પહેલા જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરીમાં થોડો વિલંબ થયો હતો. હવે મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આથી ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ વહેલીતકે જાહેર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ મહિનાના અંત સુધીમાં જાહેર કરી દેવાનું આયોજન છે. ડેટા એન્ટ્રીનું કામ તો એકાદ-બે દિવસમાં જ પુરૂ કરી દેવાશે.