અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળ્યા બાદ વહિવટી તંત્રને ગતિશીલ બનાવીને ઝડપી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ રાજ્યની અગાઉની સરકારમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. જેમાં જે યોજના નવી અને લોકભોગ્ય હશે તો તેને આગળ ધપાવવામાં આવશે અથવા તો બિનજરૂરી હશે તેને પડતી મુકી દેવાશે. જો કે કેન્દ્ર સાથે સંલગ્ન હશે તેવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.ચાલુ વર્ષે જ બનાવવામાં આવેલી ઇલેક્ટ્રોનિક વાહનોની પોલિસીની પણ સમીક્ષા કરાય તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં વિવિધ વિભાગોની નવી પાંચ પોલિસી લાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકહિતના નિર્ણયો ઝડપથી લેવાની મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે. શુક્રવારે સાંણદના મણિપુરમાં યોજાયેલા સેવાસતુ કાર્યક્રમમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી ભાષણ ન કરીને લોકો સાથે સીધો જ સંવાદ કર્યો હતો. અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. સરકારે મહત્વના નિર્ણય પણ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યના 26 વિભાગો કે જેમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હોય અને શરૂઆતથી વિવાદમાં રહેલી હોય તેવી યોજનાઓને હાલ હોલ્ડ પર રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. વિવિધ વિભાગના ટોચના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેમના વિભાગની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટનું લિસ્ટ બનાવી અને તેની કેબિનેટના મંત્રીઓ સાથે મળીને સમીક્ષા કરે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે કેન્દ્ર સાથે જોડાયેલી જે યોજના કે પ્રોજેક્ટ હોય તેને ઝડપથી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમ કે રાજકોટને એઇમ્સ આપવાના નિર્ણય પછી બાકી રહી જતા હોય તેવા કામો ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે. જે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને સરકારી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હોય તેવી યોજનાઓનું સ્વરૂપ બદલીને પણ તેને માન્યતા અપાશે. આ પ્રોજેક્ટમાં રાજકોટ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ગુજરાતની અગાઉની સરાકારે જે નિર્ણયો લીધા હતાં તે તમામની સમીક્ષા હાથ ધરાશે. આ પ્રોજેક્ટ રદ થવાના નથી પરંતુ તેમાં ફેરફારો થઇ શકે છે. રાજ્યના કૃષિ વિભાગમાં સરકારી પડતર અને ખરાબાની જમીન ઉદ્યોગજૂથોને આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે સ્થગિત કરવામાં આવી શકે તેવી સંભાવના છે, કારણ કે તેમાં માત્ર ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં બનાવેલી પોલિસીમાં પણ ફેરફારો કરવા માગે છે.