
અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અવાર-નવાર તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહેતા હોય છે. વર્ષ 2021માં છોટાઉદેપુરની એક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, ખુલ્લામાં ભણવું એ નવી બાબત નથી. કારણ કે, તેઓ જ્યારે અભ્યાસ કરતાં હતાં ત્યારે આજ રીતે બહાર બેસીને ભણતા હતાં. શિક્ષણમંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિલય મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લઇ સુઆ મોટો દાખલ કરી હતી. કોર્ટે જીતુ વાઘાણીના નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.
આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને રાજ્યની સ્કૂલોની પરિસ્થિતિ અંગેની આંકડાકીય વિગતો રજૂ કરવા માટે હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, કેટલી સ્કૂલો ખુલ્લામાં ચાલે છે, કેટલી સ્કૂલોના મકાન ભાડે છે? તેની સંપૂર્ણ વિગતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે. એટલું જ નહીં પરંતુ કોર્ટે એવું અવલોકન કર્યું છે કે વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે તે યોગ્ય નથી. આ મામલે વધુ સુનાવણી 20મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં રાજકોટના એક કાર્યક્રમમાં એવો બફાટ કર્યો હતો કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. જિતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીંયા તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2020-21માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 18 હજાર 537 ઓરડાની ઘટ હતી અને જે હવે વધીને 19 હજાર 128 થઇ ગઇ છે. વર્ષ 2020-21માં રાજ્યમાં માત્ર 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજળીની પાયાની સુવિધા જ ઉપલબ્ધ નથી. રાજ્યમાં 5 હજાર 439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્ડ વોલ પણ નથી.