
રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવેલું ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું, વિદેશી ફ્લાઈટ્સ નહીં આવે
રાજકોટઃ શહેરની ભાગોળે કરોડો રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. અને એક વર્ષ પહેલા જ વડાપ્રધાનના હસ્તે નવ નિર્મિત એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવું એરપોર્ટ શરૂ થતાં જ રાજકોટ શહેરની મધ્યમાં આવેલું જુનુ એરપોર્ટ બંધ ખરી દેવામાં આવ્યું હતુ, નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લીધે વિદેશની ફ્લાઈટ્સનો સૌરાષ્ટ્રવાસીઓને લાભ મળશે એવું લાગતું હતું પણ એકપણ વિદેશ જવા માટેની ફ્લાઈટનો હજુ લાભ મળ્યો નથી.
રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું જ છે, સૌરાષ્ટ્રના લોકોને અહીંથી સીધા U.K.,U.S.A., દુબઈ વગેરે સ્થળે જવાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે નહીં, તેવો રહસ્યસ્ફોટ ભાજપના નેતાએ કર્યો હતો. કેન્દ્રીય બજેટની પ્રશંસા કરવા રાજકોટ આવેલા સાંસદ અને ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવાથી વિદેશોની ફ્લાઈટ મળી જ જાય તે જરૂરી નથી.
આ ઉપરાંત ભાજપ નેતાએ પોતાની આ વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે ‘બિહારના પટનામાં જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, નામ ઈન્ટરનેશનલ છે પરંતુ, 17 વર્ષથી ત્યાં વિદેશની કોઈ ફ્લાઈટ આવ-જા કરતી નથી. ફ્લાઈટ શરૂ કરવી તે માંગ અને પૂરવઠા ઉપર આધારિત હોય છે.’ તેમ કહીને તેમણે ઉમેર્યું કે ‘ભારતમાં 1980 પછી 14 વિમાની કંપનીઓ આવી છે તેમાંથી માત્ર 4 ચાલે છે. જે તે સમયે રાજકોટને પણ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઘોષણા કરી હોય પણ તે ઘોષણા માત્રથી આવી વિદેશી ફ્લાઈટ શરૂ થતી નથી.’
રાજકોટથી 30 કિ.મી.દૂર અમદાવાદ હાઈવે પર હીરાસર પાસે રૂ।. 1405 કરોડના જંગી ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટના લોકાર્પણ ટાણે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખુલશે અને સૌરાષ્ટ્રને સુવિધામાં એક માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની કમી હતી તે દૂર થશે તેવી વાતો થઈ હતી. સપ્ટેમ્બર-2023થી રાજકોટનું જુનુ રેસકોર્સ એરપોર્ટ બંધ કરીને ઉપરોક્ત નવા એરપોર્ટ પરથી વિમાનોની આવ-જા શરૂ થઈ છે પરંતુ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે શરૂ થશે તે નક્કી નથી જે સામે લોકો વારંવાર ફરિયાદો કરતા રહ્યા છે. નવા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય વિમાની સેવા તો નથી મળી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરની સુવિધા પણ આ એરપોર્ટમાં નથી. ટર્મિનલનું કામ હજુ પૂરૂં થયાનું જાહેર કરાયું નથી. એટલું જ નહીં, માત્ર 10 મહિનામાં પહેલા જ વરસાદે આ એરપોર્ટની કેનોપી ધસી પડી હતી અને તે પહેલા ત્યાં બાથરૂમમાં પાણી નહીં આવવા સહિતની ફરિયાદો ઉઠી હતી. ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં પણ ખાસ વધારો થયો નથી.