1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરનો અંતિમ જથ્થો ભારત પહોંચ્યો
અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરનો અંતિમ જથ્થો ભારત પહોંચ્યો

અમેરિકાથી અપાચે હેલિકોપ્ટરનો અંતિમ જથ્થો ભારત પહોંચ્યો

0
Social Share

નવી દિલ્હી: ભારતીય સેનાની હવાઈ આક્રમક ક્ષમતામાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતને અમેરિકા પાસેથી AH-64E અપાચે એટેક હેલિકોપ્ટરનો છેલ્લો જથ્થો મળી ગયો છે. આ સાથે વર્ષ 2020માં અમેરિકા સાથે થયેલા 6 અપાચે હેલિકોપ્ટર માટેનો 796 મિલિયન ડોલરનો સોદો હવે સત્તાવાર રીતે પૂર્ણ થયો છે. પ્રાદેશિક સુરક્ષા અને સરહદી તણાવ વચ્ચે આ હેલિકોપ્ટરની હાજરી દુશ્મનો માટે મોટો પડકાર બની રહેશે.

નોંધનીય છે કે આ હેલિકોપ્ટરની ડિલિવરી નિર્ધારિત સમય કરતાં થોડી મોડી થઈ છે. અગાઉ આ હેલિકોપ્ટર 2024ની શરૂઆતમાં આવવાના હતા, પરંતુ તેનો પ્રથમ જથ્થો જુલાઈ 2025માં ભારત આવ્યો હતો. હવે અંતિમ ખેપ આવી પહોંચતા ભારતીય સેનાની એર વિંગ વધુ શક્તિશાળી બની છે. રિપોર્ટ્સ મુજબ, આ હેલિકોપ્ટરોને મુખ્યત્વે પાકિસ્તાન સરહદ પર તૈનાત કરવામાં આવશે.

શસ્ત્ર નિષ્ણાતોના મતે AH-64E અપાચે તેની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ છે. તેની વિશેષતાઓ તેને યુદ્ધમેદાનમાં અજેય બનાવે છે. તે 30 મીમીની ચેન ગન, હેલફાયર એન્ટી-ટેન્ક મિસાઈલ અને અત્યાધુનિક રોકેટ સિસ્ટમથી સજ્જ છે. આ રડાર એકસાથે અનેક લક્ષ્યોની ઓળખ કરી શકે છે અને પ્રાથમિકતાના આધારે તેના પર સચોટ નિશાન સાધી શકે છે. આ સિસ્ટમને કારણે તે ગાઢ અંધારામાં પણ દુશ્મનના ટેન્ક અને બખ્તરબંધ વાહનોને શોધીને નેસ્તનાબૂદ કરી શકે છે.

અપાચેની સૌથી મોટી ખાસિયત તેની ‘ઓલ વેધર’ ક્ષમતા છે. દિવસ હોય કે રાત, અતિશય ખરાબ હવામાન હોય કે હિમાલય જેવા દુર્ગમ પહાડી વિસ્તારો, અપાચે દરેક પરિસ્થિતિમાં હુમલો કરવા સક્ષમ છે. તે જમીનથી અત્યંત નીચી ઉડાન ભરીને દુશ્મનના રડારની નજરમાં આવ્યા વગર હુમલો કરવામાં માહિર છે.

ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર આ હેલિકોપ્ટર ‘ક્વિક રિએક્શન ફોર્સ’ તરીકે કાર્ય કરશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં અપાચે ત્વરિત જવાબી કાર્યવાહી કરીને દુશ્મનના ફ્રન્ટ લાઇન મોરચાને તોડી પાડશે. આનાથી ભારતીય પાયદળના જવાનોને મજબૂત હવાઈ કવચ અને સુરક્ષાનો ભરોસો મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code