
વાવાઝોડા પહેલા ફુંકાયેલા હળવા પવનમાં ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનના પતરા ઊડી ગયાઃ કોન્ટ્રાક્ટરને નોટિસ
વડોદરાઃ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. જાન્યુઆરી મહિનામાં દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું., ત્યારે તાઉ-તે વાવાઝોડા પહેલા સોમવારે ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની 300 ફુટ ઊંચા ડેમની છતના પતરા ઊડી નીચે પડ્યા હતા. આ ઘટનાને લઇને ડિઝાઇન અને ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે, જેની નોંધ કેન્દ્રીય રેલવે વિભાગે લીધી હતી. રેલવે વિભાગે ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનની ડિઝાઈન બનાવનારા આર્કિટેક અને સિવિલ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સ્થિત દેશનું સૌપ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન તાઉ-તે વાવાઝોડાની અસરના હળવા પવનને વેઠી શક્યું નહોતુ અને વાવાઝોડાની સાથે જ ડોમમાં નીચેના ભાગે લગાવેલા પતરા ઉડવા માંડ્યા હતા, જોકે, સદનસીબે કોઇ પ્રવાસીઓ ન હોવાથી જાનહાનિ થઈ નહોતી, જોકે, સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાંજ ગરુડેશ્વર મામલતદાર ડિઝાસ્ટરની ટીમ, રેલવે વિભાગની ટીમ અને કેવડિયા પોલીસ પણ દોડી આવી હતી.
દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન હજુ 4 મહિના પહેલાં બનાવવામાં આવ્યું છે, તેમ છતાં પવનની સાથે પતરા ઉડીને નીચે પડ્યા હતા. જો કોઇ મુસાફર હોત અને આ ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. સદનસીબે રેલવે સ્ટેશનમાં કોઇ ન હોવાથી જાનહાનિ થઇ નહોતી પણ પતરા ઘણા ઉડી જતા રેલવે વિભાગને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે, ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન એક મહત્વપૂર્ણ પ્રોજેકટ છે અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે દેશના મુખ્ય શહેરોને જોડતી રેલવે શરૂ કરવામાં આવી હતી. હાલમાં સિલિંગ પરની જે પ્લેટો ઉખડી ગઇ હતી, ત્યાં છત પર ગ્રીન નેટ લગાડવા આવશે અને રેલવે સ્ટેશનની ડિઝાઈન બનાવનાર આર્કિટેક સને સિવિલ એન્જીનિયર ગ્રીન રેલવે સ્ટેશનની ડિઝાઇનમાં બદલાવ કરીને રેલવે સ્ટેશનની મરામત કરશે. આ કામ લગભગ બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.