 
                                    હવામાન વિભાગ ચોમાસુ વિદાય લઈ રહ્યાના ગાણાં ગાઈ રહ્યું છે,પણ મેઘાને હજુ જવું ગમતું નથી
અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ સોમાસું વિદાય લઈ રહ્યાનું કહી રહ્યું છે ત્યારે હજુ પણ મેઘરાજા છૂટાછવાયા વિસ્તારોમાં વરસીને વિદાય લેવાનું નામ લેતા નથી. શનિવારે અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, તેમજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં આગામી ત્રણ દિવસ વરસાદની સંભાવના છે શનિવારે અમદાવાદના મણિનગર, સીટીએમ, જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તેમજ પાલડીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ચકુડિયા, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉપરાંત મેમ્કો, નરોડા અને કોતરપુર વિસ્તારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે.
ચોમાસાને વિદાય લેવી ગમતી ન હોય તેમ આસોમાં પણ મેઘધારા વહેવાનું શરૂ રહ્યું છે. શનિવારે ગોંડલ શહેરમાં દોઢ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં માર્ગો પર નદીઓ વહી હતી અને ગ્રામ્ય પંથકમાં ખેતરો ચેકડેમ જેવા બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધોરાજીમાં પણ 1.5 ઇંચ અને જસદણમાં અડધો ઇંચ વરસાદ પડી જતાં અસહ્ય બફારાથી અકળાતા લોકોને રાહત મળી હતી. કોટડા સાંગાણીમાં પોણા ત્રણ ઇંચ અને મોટીમારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો હતો. આટકોટ 1 ઇંચ વરસાદ સાથે ભીંજાયું હતું. મધ્ય ગીરમાં ચાર ઇંચ સુધી વરસાદ થયો હતો, જ્યારે સાસણ ગીર જંગલમાં 3 ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ અને કેશોદમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો.
દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ત્રીજા નોરતે મેઘરાજાએ શનિવારે બપોરે ધમાકેદાર અન્ટ્રી મારી અડધો કલાકમાં 2.5 ઇંચ મૂળધાર વરસાદથી શહેરને પાણી પાણી કરી દીધું હતું. વલસાડ ઉપરાંત કપરાડા તાલુકામાં પણ શનિવારે દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ભારે હળવા ઝાપટાં જારી રહ્યા હતા. ભરૂચમાં સવા ઇંચ અને અંકલેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
વલસાહ શહેરના તિથલ રોડ, અબ્રામા, મોગરાવાડી સહિતના વિસ્તારો ઉપરાંત રાજ્યભરમાં હાલ સોસાઈટીઓના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું છે, પરંતુ શનિવારે મૂશળધાર વરસાદથી ગરબાના સ્થળો પણ પાણીથી તરબોળ થયા હતા. જો કે પાણી ઉતરી ગયા હતા અને જમીન ભીની અને કાદવ સર્જાતાં ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહમાં ઓટ આવી હોય તેવી લાગણી વ્યકત કરાઇ રહી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

