
અમદાવાદઃ શહેરમાં પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં રોડની સાઈડમાં અથવા ફુટપાથ પર પાર્ક કરેલા દ્વીચક્રી વાહનો ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને લઈ જતી હોય છે. અને જ્યારે દ્વીચક્રી વાહનના ચાલક પોતાનું કામ પતાવીને આવે ત્યારે ખબર પડે કે તેનું બાઈક કે સ્કુટર પોલીસવાળા ટોઈંગ કરીને લઈ ગયા છે. હવે પોતાનું વાહન દંડભરીને લેવા માટે ક્યાં જવું તેની ખબર પડતી નથી. આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદના નાગરિકોને છૂટકારો મળી જશે. અમદાવાદ સિટી પોલીસે એક એપ્લિકેશન વિકસાવી છે. જે માત્ર ગુના કે ચોરીની ફરિયાદ માટે જ નહીં પણ ટોઇંગ કરાયેલા વાહનોથી લઇ સમન્સ, વોરન્ટ અને મુદ્દામાલની માહિતી સહિત અનેક વિગતો મળી શકે છે.
રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે પોલીસના નવા આધુનિક ભવનના લોકાર્પણની સાથે આ પોલીસ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. જે થોડા દિવસોમાં જ લોકો અને પોલીસ માટે પણ મહત્વની પુરવાર થઇ રહી છે.
અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ પણ શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. અને જે રીતે વાહનોની સંખ્યા વધી રહી તેની સાથે-સાથે ટ્રાફિક પોલીસના કામ ઉપર ભારણ પણ વધી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં મુકવામાં આવતા વાહનોને ટો કરીને લઈ જવામાં આવતા વાહન ચાલકોને તેમના વાહનો ક્યાં છે તે અંગે માહિતી મોળવવા તકલીફ પડતી હોય છે. જો કે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિકસાવાયેલી તર્કશ નામની એક એપ્લિકેશનથી ખ્યાલ આવી જશે કે તમારું વાહન ક્યાં છે. એટલું જ નહીં ટ્રાફિકની માહિતી મળી રહેશે. પોલીસનો બંદોબસ્ત પણ ઓનલાઈન આપવામાં આવશે. નોંધનીય છે કે આ સિવાય અન્ય ફાયદો થશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે લોકો માટે અને ખાતા માટે કેટલું સફળ થાય છે તે સમય બતાવશે.
મહત્વનું છે કે આ એપ્લિકેશન 3000 ટ્રાફિક પોલીસ કર્મીઓની હાજરી પણ લેશે અને સાથે સાથે તેના અનેક ફાયદા પણ સામે આવી રહ્યા છે. આ એપ્લિકેશનથી પેપર લેસ કામ થઈ જશે. કોઈ પણ નોકરી માટે noc માટે એપ્લિકેશન પરથી જાણી શકાશે કે જે તે વ્યક્તિ સામે કોઈ ગુનો છે કે નહીં. મુદ્દામાલની માહિતી, સમન્સ અને વૉરેન્ટની બજવણી કોને કરી તે તમામ પ્રકારની માહિતી મળી શકશે.