
દેશના તમામ રાજ્યોમાં 6 જુલાઈ સુધીમાં ચોમાસુ બેસી જશે, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ
નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ પ્રવેશી ગયું હોવા છતાં પૂર્વોત્તરને બાદ કરતાં ક્યાંય ધમાકેદાર વરસાદ પડ્યો નથી, દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 30મી જુનથી ચોમાસુ જોર પકડશે અને 6 જુલાઈ સુધીમાં દેશના તમામ ભાગોને આવરી લેશે.
નૈઋત્ય ચોમાસુ ગુજરાત બાદ 20મી જૂને મધ્યપ્રદેશ, છતીસગઢ, તટીય આંધ્રપ્રદેશ, ઝારખંડ તથા બિહારમાં બેસી ગયું હતું. પરંતુ તે બાદ આગળ વધતું અટકી ગયું છે. જો કે, આવતીકાલથી ફરી સક્રિય થવાની સંભાવના છે અને ગણતરીના દિવસોમાં જ ગુજરાત, મધ્યપ્રદેશ તથા બિહારના બાકીના ભાગોને પણ કવર કરી લેશે. ઉપરાંત ઉતર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે. 30 જુનથી 6 જુલાઈ દરમ્યાન દેશના તમામ ભાગોમાં ચોમાસાનો પ્રવેશ થઇ જશે. હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર ઉતરપ્રદેશમાં પ્રવેશ બાદ 27થી 30 જુન દરમ્યાન દિલ્હીમાં એન્ટ્રી થશે. 27 જુનથી દિલ્હીમાં પ્રિ-મોન્સુન વરસાદ શરુ થશે. અને ત્યારબાદ ચોમાસાની સતાવાર એન્ટ્રી થશે.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદમે મહેર વરસાવી છે પરંતુ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયાં છે અને હવે મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
પૂર્વોત્તર રાજ્યોમાં હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને અસમમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.