
આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા ચાર કરોડને પાર થવાની શકયતા
દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા તા. 31મી ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. દરમિયાન 21મી ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ લોકોએ આઇટી રિટર્ન ભર્યા છે જેમાં ગત વર્ષની તુલનામાં 12 લાખ આઇટી રિટર્ન વધારે ભરાયા છે. આઇટીઆર-4 ફોર્મ 79-82 લાખ કરદાતાએ આઇટીઆર-3 ફોર્મ 43.18 લાખ કરદાતાએ અને આઇટીઆર-2 ફોર્મ 26.56 લાખ કરદાતાઓએ ભર્યા છે. ચાલુ વર્ષે રિટર્ન ભરનારાઓ કરદાતાઓની સંખ્યા ચાર કરોડને પાર થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
આવક વેરા વિભાગના જણાવ્યા અનુસાર વ્યકિતગત કરદાતાઓ માટે વર્ષ 2019-20નું રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 છે. એવા કરદાતા કે જેમના ખાતાનું ઓડિત થવાનું છે તેમના માટે અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2021 છે. દેશમાં કોરોના મહામારીને પગલે આવકવેરા રિટર્ન ભરવાની તારીખને ત્રણ વાર વધારવામાં આવી હતી. નાણાંકીય વર્ષ 2018-19 માટે પણ કોઇ ચાર્જ વિના 31 ઓગસ્ટ સુધી રિટર્ન દાખલ કરવાની છૂટ અપાઇ હતી જે અંતર્ગત કરદાતાઓએ કુલ 5.65 કરોડ રિટર્ન ભર્યા છે. આ વર્ષે દાખલ કુલ રિટર્નમાં અડધાથી વધુ કરદાતાઓએ આઇટીઆર-1 અર્થાત સહજ ફોર્મ ભર્યા છે. આમાં એવા કરદાતા આવે છે, જેમનો પગાર વાર્ષિક 50 લાખ રૂપિયાથી ઓછો છે. ત્યાર બાદ સૌથી સહજ ફોર્મ (આઇટીઆર-4) ભરનારાઓ સૌથી વધુ છે. જેની સંખ્યા લગભગ 80 લાખની પહોંચી છે.