
અમદાવાદઃ રાજ્યમાં સરકાર હસ્તકની ચાર વીજ કંપનીઓ દ્વારા વીજ વિતરણની કામગીરી કરવામાં આવે છે. મહાનગરોને બાદ કરતા મોટાભાગના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જુના વીજ મિટરો લાગેલા છે. ઘણા મિટરો ઘીમા ફરતા હોવાનીં લાઈન લોસ ઘણો મોટો આવી રહ્યો છે. આથી રાજ્યભરમાં સ્માર્ટ મિટર લગાવવાનીકામગીરી આગામી એપ્રિલ 2022થી હાથ ધરવામાં આવશે. કહેવાય છે કે, સ્માર્ટ મિટરો બે પ્રકારના હશે, પ્રિ પેઈડ અને પોસ્ટ પેઈડ, પ્રિ પેઈડમાં ગ્રાહકોએ ઓનલાઈન પૈસા ભરીને વીજ પુરવઠો જરૂર પ્રમાણે રિચાર્જ કરાવવો પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વીજ મીટર પણ સ્માર્ટ થવા જઈ રહ્યા છે. આગામી સમયમાં પીજીવીસીએલ સહિત સમગ્ર ગુજરાતની ચારેય સરકારી વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. તેના માટે હાલ પેપર વર્ક ચાલી રહ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડના અધિકારીના કહેવા મુજબ દેશભરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (આરડીએસએસ) હેઠળ ર લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે. જેમાંથી જુદા જુદા રાજ્યોને ક્ષમતા અને પ્રાયોરીટી મુજબ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે ગ્રાન્ટની વહેંચણી કરવામાં આવશે. તેમાં જરૂર પડયે રાજ્ય સરકાર પણ પોતાના તરફથી ઘટતી રકમની ગ્રાન્ટ પુરવણી કરશે.
ગુજરાતમાં સ્માર્ટ મીટર મૂકવાના પ્રોજેક્ટની શરૂઆત સંભવત: એપ્રિલ 2022 પછીથી થઈ શકે છે. પીજીવીસીએલ હસ્તક સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લામાં હાલ 55 લાખથી વધુ વીજ મીટર જુદી જુદી કેટેગરીના છે. જેમાંથી ખેતીવાડીના 10.30 લાખ વીજ મીટરને બાદ કરતાં બાકીના રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ કક્ષાના કુલ 45 લાખ વીજ મીટર બદલીને સ્માર્ટ વીજ મીટર કરાશે. આ મીટર પ્રીપેઈડ અને પોસ્ટ પેઈડ એમ બે પ્રકારના હોઈ શકે. પ્રિપેઈડ વીજ મીટરમાં એડવાન્સમાં પેમેન્ટ કરી શકાશે. અને જરૂર પ્રમાણે રીચાર્જ કરવાના રહેશે. આ વીજ મીટરની ખાસીયત છે કે તેનું રીડીંગ કરવા કર્મચારીએ ગ્રાહકોના ઘર કે દુકાન, ઉદ્યોગગૃહે જવાનું રહેશે નહીં. ઓફિસમાં બેઠા જ મીટર રીડીંગ થઈ શકશે અને ત્યાંથી જ વપરાશ મુજબ બિલ બનાવીને ગ્રાહકને મોકલી શકાશે હાલમાં ઘણી સમસ્યા થાય છે, જેવી કે મકાન માલિક ઘરે ન હોય, તાળું હોય, દુકાન ખુલી ન હોય તેવા સંજોગોમાં ઘર કે દુકાનની અંદર રહેલા મીટરનું રીડીંગ થઈ શકતું નથી. જેથી વીજ કર્મચારીને ધક્કો થાય છે અને ફરી વખત એ જ કામગીરી માટે જવું પડે છે. ત્યાં સુધી બિલ બની શકતું નથી અને વીજ વપરાશ થતો હોવાથી યુનિટ વધતા જાય છે. જેનું ભારણ છેવટે ગ્રાહકોને પણ ભોગવવું પડે છે. સ્માર્ટ મીટર આવી ગયા પછી આવી સમસ્યા દૂર થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્માર્ટ મીટર મૂકાવવાનો પ્રારંભ મોટા મહાનગરો નહીં પરંતુ નાના શહેરો, ગામમાંથી થઈ શકે છે. એમાં પણ જે ગામ કે વિસ્તારમાં વીજ ચોરીનું પ્રમાણ વધુ હોય ત્યાંથી આની શરૂઆત થશે. સ્માર્ટ મીટર મૂકાયા બાદ વીજ ચોરી થવાની સંભાવના મોટાભાગે સમાપ્ત થઈ જશે અને વીજ લોસ ઘટશે તેવું માનવમાં આવી રહ્યું છે. જોકે હજુ પીજીવીસીએલ સહિત ગુજરાતની સરકારી વીજ કંપનીઓ પાસે આ યોજનાની બ્લુ પ્રિ ન્ટ કે ડ્રાફ્ટ પણ આવ્યા નથી. આ મામલે હજુ પ્રાથમિક તબક્કામાં કામગીરી પહોંચી છે.