
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધારે ઘેરાયું, કાર્યકારી પીએમની પસંદગી સુધી ઈમરાન ખાન જ વડાપ્રધાન
નવી દિલ્હીઃ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ રવિવારે ઈમરાન ખાન સામેની અવિશ્વાસની દરખાસ્તને પાંચ મિનિટની અંદર ફગાવી દીધી હતી. આ પછી, ઘણો ઝડપથી ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. ઈમરાન ખાને તરત જ સંસદ ભંગ કરવાની માંગ કરી હતી. આના પર રાષ્ટ્રપતિએ તરત જ પોતાની સંમતિ આપી અને સંસદ ભંગ કરી દીધી. ત્યારથી વિપક્ષનો હોબાળો ચાલુ છે. જો કે હવે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ હવે કાયમી વડાપ્રધાનની પસંદગી ચૂંટણી બાદ જ થશે. જો કે જ્યાં સુધી કેરટેકર પીએમ તરીકે ચૂંટાય નહીં ત્યાં સુધી ઈમરાન ખાન વડાપ્રધાન પદ પર રહેશે. આ અંગે રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આદેશ જારી કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સંસદ ભંગ કરવાના મામલામાં સુનાવણી કરશે. અગાઉ સંયુક્ત વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલાની સુનાવણી પૂર્ણ બેંચ દ્વારા કરવામાં આવે. વિપક્ષનું કહેવું છે કે તેઓને આશા છે કે કોર્ટ સંવિધાનનું પાલન કરશે. બીજી તરફ ઈમરાન ખાન આજે ફરી એકવાર જનતા સાથે વાત કરશે. સેનેટર ફૈઝલ જાવેદે કહ્યું કે ઈમરાન ખાન અને જનતા વચ્ચેની વાતચીતનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પાકિસ્તાની મીડિયા અનુસાર, કોર્ટે પાકિસ્તાનના એટર્ની જનરલને નોટિસ મોકલીને સમન્સ પાઠવ્યા છે. આગામી 90 દિવસની નવા પીએમ અર્થે ફરીથી મતદાન યોજાશે. આમ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધારે ઘેરાયું છે. બીજી તરફ વિપક્ષ સતત ઈમરાનખાનને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે.