
ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સપો માર્ટમાં વોટર વિકનું રાષ્ટ્રપતિએ કર્યું ઉદ્ઘાટન
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ આજે ગ્રેટર નોયડામાં ભારત જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીકનું ઉદધાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહાનુભાવો જળની સમસ્યા ઉપર ચર્ચા કરીને તેના ઉપાય અંગે કામગીરી કરશે. ભારતીય સભ્યતામાં જળનું મહત્વ છે, ઋષી ભગીરથ દ્વારા ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યાનું આપણે જાણીએ છીએ, ભારતીય સભ્યતામાં પાણીને દેવરૂપમાં જોવામાં આવે છે.
જળસંસાધન, નદી વિકાસ, અને ગંગાસંરક્ષણ મંત્રાલય જળસંસાધનો અંગે જાગૃતતા વધારવા, સંરક્ષણ અને ઉપયોગ કરવાના પ્રયાસમાં આજથી પાંચ નવેમ્બર સુધી સાતમાં ભારત જળ સપ્તાહનું આયોજન કરી રહ્યું છે. મંચનો ઉપયોગ વૈશ્વિક સ્તરના નિર્ણયકર્તાઓ, રાજનેતાઓ, સંશોધનકર્તાઓ અને ઉદ્યમીઓ વચ્ચે વિચાર વિમર્શ માટે કરવામાં આવશે.
જળ સપ્તાહનો વિષય સતત વિકાસ અને સમાનતા માટે જળ સુરક્ષા છે. આ આયોજન દુનિયાભરના વિશેષજ્ઞો, યોજનાકારો અને હિતધારકોને એક સાથે લાવશે તથા સતત વિકાસલક્ષોને અનુરૂપ જળસંસાધન વિકાસ અને વ્યવસ્થાની સ્થિરતાના મુદાને સંબોધીત કરશે. આ કાર્યક્રમમાં સંમેલન સાથે સેમિનાર, પેનલ ચર્ચા, પ્રદર્શન,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ડેન્માર્ક, સિંગાપુર અને ફિનલેન્ડ આ આયોજનમાં ભાગ લઈ રહ્યાં છે.