
પાલનપુરઃ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા અનાજ પુરૂ પાડવામાં આવતું હોય છે. જેમાં હલકી કક્ષાનું અને સડેલું અનાજ પુરૂ પડાતુ હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઊઠી છે. ત્યારે બનાસકાંઠામાં મધ્યાન ભોજન યોજનામાં પુરવઠા વિભાગ દ્વારા સડેલી અને જીવાંતોવાળી તુવેરદાળને જથ્થો ફાળવાતા ઉહાપોહ મચી ગયો હતો. અને બાળકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહ્યાના આક્ષેપો પણ થતા પુરવઠા વિભાગે જિલ્લાના 6 તાલુકામાંથી 6788 કિલો સડેલી તુવેરદાળનો જથ્થો પરત મંગાવીને નવો તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં પીએમ પોષણ કેન્દ્રોમાં મધ્યાહન ભોજન માટે ફાળવવામાં આવેલો તુવેરદાળનો જથ્થો સડેલો નીકળતાં ભારે ઉહાપોહ મચ્યો હતો. દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા છ તાલુકામાંથી કુલ 6788 કિલો સડેલી તુવેરદાળનો જથ્થો પરત મંગાવી ત્યાં નવો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. સાથે હવે પછી આવો જથ્થો આવે તો તુરંત રિપોર્ટ કરવા પુરવઠા મામલતદારોને તાકીદ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ કેન્દ્રોમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને બપોરના સમયે ભોજન પીરસવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષે ફાળવવામાં આવેલો તુવેર દાળનો જથ્થો સડેલો નીકળ્યો હતો. દાંતાની કુંવારશી શાળામાં તો રાંધેલી દાળમાંથી મરેલી જીવાત નીકળી હતી. ભારે ઉહાપોહ થતાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ હતી. દરમિયાન તંત્ર દ્વારા સડેલો જથ્થો પરત મંગાવવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી પી. એમ. રાઠોડે જણાવ્યું હતુ કે, જિલ્લામાંથી કુલ 6788 કિલો તુવેરનો સડેલો જથ્થો પરત મંગાવાયો હતો. જેમાં પાલનપુર શહેરમાં 1040 કિલો, ધાનેરામાં 275 કિલો, કાંકરેજમાં 75 કિલો , થરાદમાં 4242 કિલો, લાખણીમાં 545 કિલો અને અમીરગઢમાં 511 કિલો તુવેરની દાળ સડેલી નીકળી હતી. જે પરત મંગાવી ત્યાં એટલો જ નવો જથ્થો ફાળવવામાં આવ્યો છે. સાથે પુરવઠા મામલતદારોની બેઠક યોજી હવે પછી તુરંત કવોલીટીનો રિપોર્ટ આપવા તાકીદ કરાઇ છે. જથ્થો ફાળવાય તે જ દિવસે રિપોર્ટ આપવાની સૂચના અપાઇ છે.