ઓનલાઈન વેપારને લીધે દુકાનદારો અને શોરૂમની હાલત કફોડીઃ રોજિંદા ખર્ચા કાઢવા પણ મુશ્કેલ
અમદાવાદઃ રાજ્યમાં ઓનલાઈન વેપારનું ચલણ વધતું જાય છે. લોકો હવે કપડાંથી લઈને તમામ ચીજ વસ્તુઓ ઓનલાઈનથી મંગાવી રહ્યા છે. તેના લીધે દુકાનો અને શો રૂમના સંચાલકોને ભારે ફટકો પડી રહ્યો છે. દિવાળીના તહેવારો પહેલા કપડાંથી લઈને ફ્રિજ, ટી.વી, ઈલેક્ટ્રિક્સ ઉપકરણો તેમજ જીવન-જરીરિયાતની ચિજ વસ્તુઓનું સારૂએવું વેચાણ થતું હતું. પણ આ વખતે ઓનલાઈન વેપાર કરતી કંપનીઓએ મેગા ડિલ આપીને ગ્રાહકોને ખેંચી લીધા હતા. ઓનલાઈન વેપાર કરતી કંપનીઓ ગ્રાહકને થોડા સસ્તા ભાવે ચિજ વસ્તુ આપી શકે છે. કારણ કે કંપનીઓ બલ્કમાં ખરીદી કરતી હોવાથી તે દુકાનદારો કે શોરૂમ કરતા સસ્તા ભાવે વેચી શકે છે જ્યારે દુકાનદારો કે શો રૂમને સ્ટાફનો પગાર સહિત અન્ય સ્થાનિક ખર્ચાઓ વધુ હોવાથી ઓનલાઈન વેચાણની કોમ્પિટેશનમાં ટકી શક્તા નથી. અમદાવાદનો સૌથી પ્રચલિત અને વ્યસ્ત રહેતો સી.જી રોડ પરના દુકાનદારો પણ મંદીની બુમો પાડી રહ્યા છે.
અમદાવાદના સીજી રોડ પરની શોપ ઓનર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સીજી રોડ પર ઘણાબધા વેપારીઓ વેપાર કરી રહ્યા છે. પંચવટીથી લઈને નવરંગપુરા સ્ટેડિયમ સુધીના પટ્ટા પર અંદાજે 2 હજાર જેટલી દુકાનો આવેલી છે જેમાંથી અંદાજે 100 જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ છે. બંને તરફના પટ્ટા પરની કેટલીક દુકાનો પર વેચાણ માટે અથવા તો ભાડે આપવાના બોર્ડ લાગેલ જોવા મળી રહ્યા છે. પાછલા ત્રણ મહિનાથી કોરોના પર નિયંત્રણ આવતા ધંધો વેપાર ફરીથી ધમધમતો થયો છે પરંતુ અમુક દુકાનો હજુ પણ બંધ છે. દરમિયાન અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાછલા પાંચ વર્ષથી સીજી રોડ પરનો વિસ્તાર જ્વેલરીની દુકાનો માટે હબ સમાન સાબિત થઇ રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે, ધંધા-વેપાર પડવાથી દુકાનનું ભાડું 30 હજારથી લઈ 1 લાખ સુધીનું છે, સાથે સાથે કારીગરોના પગારના નિભાવ ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યું હતું. જેથી દુકાનો બંધ પડી હતી, જે હજુ પણ યથાવત છે.
આ ઉપરાંત પહેલા મોલ કલ્ચર આવ્યું અને હવે ઓનલાઇન વેપારના કારણે ધંધા પર મોટો ફટકો પડ્યો છે. ઓનલાઇન વેપારના કારણે અંદાજે 35-40 ટકાનો ફટકો પડ્યો છે. ઉપરાંત અહીં મુખ્યવે ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ મોટો પડકાર બની છે. જેથી સી.જી રોડ પરના ધંધા પર અસર જોવા મળી રહી છે. સીજી રોડ પર મુખ્યત્વે જ્વેલરી, કપડાં અને પગરખાની દુકાનો આવેલી છે. સાથે સાથે કેટલાક નાના-મોટા વેપાર ધંધાની ઓફીસો અહીં કાર્યરત છે. જોકે વર્ષ 2020 શરૂઆતમાં કોવિડના કારણે ધંધા-વેપાર પડી ભાંગ્યા હતા. સીજી રોડ ઉપરાંત અન્ય વિસ્તારોના દુકાનદારોની પણ આવી જ હાલત છે. જે દુકાનો કે શોરૂમ ભાડાના મકાનમાં ચાલતા હોય તામની તો હાલત કફોડી છે. (file photo)