અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ વેલ્ફેર મેમ્બરને પ્રવાસમાં લઈ જવાનું આયોજન કરાયું છે.તેની સામે ABVPમાં ચૂંટાયેલા સેનેટ વેલ્ફેર મેમ્બરે પ્રવાસનો વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, વર્ષ દરમિયાન કોઈ નિર્ણયમાં સાથે રાખવામાં આવ્યા નથી અને હવે ખુશ કરવા પ્રવાસના તાયફાં કરવાના આવી રહ્યા છે. આ સાથે પ્રવાસ રદ કરવા માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેનેટ વેલ્ફેર મેમ્બરને છેલ્લા દોઢ વર્ષથી ચૂંટાયા બાદ કોઈ નિર્ણયમાં કે કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી હવે પ્રવાસના બહાને ખુશ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. ABVPએ માંગણી કરી છે કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવે અને તેમાં વેલ્ફેર અને સેનેટ મેમ્બરોને આમંત્રિત કરવામાં આવે ઉપરાંત તેમને વિદ્યાર્થી પ્રતિનિધિ કક્ષ આપવામાં આવે. ABVPએ માંગ કરી છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવાસ માટે જે ફંડનો ઉપયોગ કરવામાં આવશે તે ફંડ વિદ્યાર્થી હિતમાં વાપરવામાં આવે, કમિટી બનાવવામાં આવે અને તેમાં સેનેટ અને વેલ્ફેર મેમ્બરોને સ્થાન આપવામાં આવે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની દરેક કમિટીમાં સેનેટ અને વેલ્ફેર મેમ્બરોને સ્થાન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ABVPના વેલ્ફેર મેમ્બર અંકિત નાઈએ જણાવ્યું કે, સેનેટ વેલ્ફેર મેમ્બરની ચૂંટણી થયા બાદ કોઈ પ્રક્રિયામાં તેમને સમાવાયા નથી. આથી તેમણે ખુશ કરવા પ્રવાસે લઈ જવાનું આયોજન યુનિવર્સિટી તંત્ર કરી રહ્યું છે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવા તાયફા બંધ કરી વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણયો લઈ વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર ખોલવું જોઈએ. ઉપરાંતમાં સેનેટ વેલ્ફેર મેમ્બરને સ્ટુડન્ટસ રિપ્રેઝન્ટેટિવ તરીકે યુનિવર્સિટીમાં સ્થાન આપવું જોઈએ. તેવી માગણી કરી છે.