 
                                    અમદાવાદઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાતની એટીએસની મદદથી મળ્યું છે. રાજયની પોલીસે ગુજરાત નહી પણ દેશની અનેક રાજયની સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાની બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં 450 સ્થળોએ રેડ પાડીને અંદાજીત 6500 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે, સાથે 650થી વધુ ડ્રગ્સ માફિયાઓને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમાંથી આજદિન સુધી કોઈને પણ જામીન મળ્યા નથી.
ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસી ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા રહી હોવાનું જણાવતા તેમણે જણાવ્યું કે, આ પોલીસીના કારણે અલગ-અલગ રાજયની વિગતો આપણને મળી રહી છે. બાતમીદારોને ડ્રગ્સ વિશેની માહિતી માટે મોટી ઈનામી રકમ આપવામાં આવે છે જેથી ગુજરાત પોલીસને ડ્રગ્સ વિશેની મહત્વની માહિતી મળે છે. અન્ય રાજયોની પોલીસ પણ આ ડ્રગ્સ પોલીસીની વિગતો આપણી પાસેથી મંગાવે છે. સૌએ સાથે મળીને ડ્રગ્સની લડાઈમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાધનને ખોખલુ કરતા ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે પોલીસ સધન કામગીરી કરી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા ગુજરાતની પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના નેટવર્ક તુટવાથી પાકિસ્તાન-અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓને મોટું નુકશાન પહોચ્યું છે. રાજયની પોલીસ કોઈ પણ રીતે પીછેહડ કરશે નહી. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કલકત્તા જેવા અનેક રાજયના યુવાનોનું જીવન બરબાદ થતા અટકાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરા એ દેશભરમાં સૌથી વધુ રોજગારી આપીને યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરનારૂ રાજય છે. ડ્રગ્સ પર રાજનીતિ કરવી ન જોઈએ. ડ્રગ્સ સામેની લડાઈ વધુ મક્કતાથી વધુ ઝડપથી ચાલશે તેમ પણ તેમણે કહ્યું હતું.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

