
આ રાજ્યમાં હવે ઘર્માંતરણ કરાવનારા પર 5 લાખ રુપિયાનો દંડ વસુલાશે – નવા કાયદામાં હશે જોગવાઈ
- કર્ણાટક લાવી રહ્યું છે ઘર્માંતરણ કાયદામાં નવી જોગવાઈ
- ઘર્માંતરણ કરાવનારા પાસે વસુલાશે 5 લાખનો દંડ
દિલ્હીઃ- દેશમાં દિવસેને દિવસે ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે જેને લઈને કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવી રહી છે તો દરેક રાજ્યો પણ પોતાની રીતે સખ્ત બની રહ્યા છે ત્યારે હવે આજ શ્રેણીમાં ક્રણાટક સરકાર પણ પોતાના કાયદામાં નવી જોગવાઈ લાવવા જઈ રહી છે.
કર્ણાટકની ભાજપ સરકાર વિધાનસભા સત્ર દરમિયાન ધર્માંતરણ વિરોધી કાયદો લાવવા જઈ રહી છે. ભાજપની બસવરાજ બોમ્મઈ સરકારે ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક બનાવવાના સંકેત આપ્યા છે. બિલના નવા ડ્રાફ્ટમાં સજાની મુદત ત્રણ વર્ષથી વધારીને 10 વર્ષ અને દંડની રકમ 50 હજારથી વધારીને 1 લાખ અને 5 લાખ કરવામાં આવી શકે છે.
કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન બસવરાજ બોમ્મઈ સરકાર ધર્માંતરણ વિરોધી કાયદાને વધુ કડક બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે સરકાર કર્ણાટક રાઈટ ટુ રિલિજિયન બિલ 2021 બિલ વિધાનસભાના ફ્લોર પર રજૂ કરી શકે છે. સરકારનું આ પગલું તાજેતરમાં હિંદુ ધર્મમાંથી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનના ઘણા કિસ્સાઓ વચ્ચે આવ્યું છે.
ભાજપ શિયાળુ સત્ર દરમિયાન કર્ણાટક વિધાનસભામાં બિલ રજૂ કરવા માટે દબાણ કરી રહી છે. રાજ્ય સરકારે સૂચિત કાયદાની કાયદેસરતા તપાસવા માટે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બેઠકો પણ યોજી છે. બુધવારે રાત્રે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે નિર્ણય લીધો હતો કે સૂચિત બિલ વર્તમાન સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવશે.
શું હશે આ કાયદાની નવી જોગવાઈ – જાણો
આ બિલમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સગીર અને મહિલાઓને અન્ય ધર્મમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા માટે મહત્તમ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જનરલ કેટેગરીના લોકોના ધર્માંતરણ માટે ત્રણ વર્ષથી પાંચ વર્ષની જેલ અને 25 હજાર રૂપિયાના દંડની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે સગીર, મહિલાઓ, એસસી અને એસટી સમુદાયના વ્યક્તિઓના ધર્મ પરિવર્તનના કેસમાં ત્રણથી દસ વર્ષની જેલ અને 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.